- મહિલા દેખાવકારોની આડમાં એએસપીનું તેમના નિવાસેથી અપહરણ
- એએસપીના અપહરણ પછી તંગદિલી વધતાં વિસ્તારમાં સૈન્ય ખડકવામાં આવ્યું
- મૈતી સંગઠન અરામબાઈ તેંગગોલની કેડર દ્વારા એએસપીનું અપહરણ થયું હતું
મણિપુરમાં મંગળવારે એડિશનલ એસપી અમિત માયેંગબામનું તેમના નિવાસેથી અપહરણ થયા પછી પોલીસ અને સુરક્ષાદળોએ બુધવારે તેમને મુક્ત કરાવ્યા હતા. મૈતી સંગઠન અરામબાઈ તેંગગોલની કેડર દ્વારા એએસપીનું અપહરણ થયું હતું. મંગળવારે સાંજે 6.20ના સુમારે ઇમ્ફાલ ઇસ્ટમાં આ ઘટના બની હતી. અધિકારીઓએ કહ્યું કે એએસપી અમિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ સ્થિર છે. ગઇકાલે નોંધાયેલી અપહરણની આ ઘટના સંદર્ભમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ઇમ્ફાલ ઇસ્ટમાં ફરી તંગદિલીની સ્થિતિ સર્જાતાં નિયંત્રણ માટે સૈન્ય તૈનાત કરાવામાં આવ્યું છે. વિસ્તારમાં આસામ રાઇફલ્સની ચાર ટીમ તૈનાત છે. હકીકતે એેએસપી અમિતે થોડા દિવસ પહેલાં વાહન ચોરીના કેસમાં મૈતી સંગઠન અરામબાઈ તેંગગોલના છ સભ્યોની ધરપકડ કરી હતી. સંગઠન તેમના સાથીઓની મુક્તિ માટે વિરોધ દેખાવો કરી રહ્યું હતું. મહિલા સમૂહો સહિત સંગઠનના 200 જેટલા કાર્યકર્તા આરંભે તો ઇમ્ફાલ પોલીસ મુખ્યાલય સામે વિરોધ દેખાવો કરી રહ્યા હતા પછી એએસપીના ઘરની સામે જ વિરોધ દેખાવો શરૂ થયા હતા.
પોલીસ કમાન્ડોએ નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ
એેએસપીના નિવાસ પર 200 જેટલા હથિયારધારીઓએ ત્રાટકીને તેમના નિવાસમાં તોડફોડ કરી અને એએસપી તેમ જ તેમના નિવાસ બહાર ચોકી કરી રહેલા સુરક્ષા ગાર્ડ્સનું અપહરણ કર્યું તે પછી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પોલીસ કમાન્ડોને સંયમ જાળવવા કહ્યું હતું. પોલીસ કમાન્ડોએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના આ વ્યવહાર સામે બુધવારે હથિયાર હેઠા મુકીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.


