અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પનું શાસન જોવા મળ્યુ છે. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી જોવા મળ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ પહેલા એક પાર્ટી યોજાઇ હતી જેમાં નીતા અંબાણીનો રોયલ લુક સામે આવ્યો હતો. ત્યારે હવે નીતા અંબાણીનો વધુ એક લુક સામે આવ્યો છે જેમાં તેઓ જાજરમાન લાગી રહ્યા છે.
ટ્રમ્પની પાર્ટીમાં જોવા મળ્યો રૉયલ લુક
વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજિત ખાસ ડિનર પાર્ટીમાં નીતા અંબાણીએ સુંદર જામવાર સાડી પહેરીને સૌને ચોંકાવી દીધા હતા. આ સાડી એટલી એટલી ખાસ હતી કે તેને બનાવવા માટે 1900 કલાકથી પણ વધારે સમય લાગ્યો છે. ટ્રેડિશનલ અને કન્ટેમ્પરરી સ્ટાઇલની આ સાડીમાં નીતા અંબાણીએ તો વટ પાડી દીધો. આ સાડીમાં પરંપરાગત આરીકામ કરવામાં આવ્યુ છે. ફેંચ ગાંઠોની જટિલ કારીગરી કરવામાં આવી છે. હાઇ કોલર નેકના બ્લાઉઝ સાથે તેમણે ડિનર પાર્ટીમાં સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ હતું. તરુણ તહિલિયાનીએ આ સાડી ડિઝાઇન કરી છે.
જામવારનું મોર્ડન વર્ઝન
જામવાર સાડીમાં પરફેક્ટ ડ્રેપ અને ટેક્સચર મેળવવા માટે પહેલા તેમાં ભરતકામ કરવામાં આવ્યું. પછી તેમાં હાથ વડે પેઇન્ટ કરવામાં આવ્યું. પ્રિન્ટ કરવામાં આવ્યુ અને ત્યાર પછી પણ અદભૂત ભરતકામથી સજાવટ કરવામાં આવી. આમ એક શાનદાર પરંપરાગત આર્ટ અને મોર્ડન ટેલરિંગનું પર્ફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યુ.
નીતા અંબાણી હસ્તકલાના પ્રશંસક
મહત્વનુ છે કે નીતા હંમેશા ભારતીય હસ્તકલા કારીગરીના પ્રશંસક રહ્યા છે. તેમની પાસે જામવાર અને હેરિટેજ કાપડનો અદ્ભુત સંગ્રહ છે. તેઓ ઘણા લાંબા સમયથી તરુણ તાહિલિયાનીની જામવાર રચનાઓને ટેકો આપે છે. આ ખાસ પ્રસંગ માટે તેણીએ જામવારનું મોર્ડન વર્ઝન પસંદ કર્યું, જે જટિલ ભરતકામથી સજ્જ હતું. – જે ભારતની સમૃદ્ધ પરંપરાઓને સમકાલીન શ્રદ્ધાંજલિ છે. ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે આ પોશાક સાથે તેણીએ વિશ્વ સમક્ષ પરંપરાગત શૈલીનો આધુનિક દેખાવ રજૂ કર્યો હતો.
જામવાર સાડી કેમ છે ખાસ ?
જામવાર શબ્દ ‘જામ’ પરથી આવ્યો છે, જેનો અર્થ શાલ અથવા ડગલો થાય છે, અને ‘વાર’, જેનો અર્થ થાય છે યાર્ડ. . જામવાર પરંપરાગત રીતે પશ્મીના ઊન, કપાસ અને રેશમના સમૃદ્ધ મિશ્રણથી વણાય છે . જામવારની સૌથી વિશિષ્ટ વિશેષતાઓમાંની એક એ છે કે તેનું વણાટ એટલું જટિલ છે કે આગળ અને પાછળનો ભાગ એકસરખો દેખાય છે. વણાટની કુશળતા એવી છે કે કોઈ દોરો બહાર નીકળેલો દેખાતો નથી.


