- કોલંબિયામાં કાદવનો પહાડ રોડ પર પડતા સર્જાઈ દુર્ઘટના
- હજી સર્ચ ઓપરેશન ચાલુ હોવાનો તંત્રનો દાવો
- કોલંબિયામાં ભૂસ્ખલનની ઘટના સામાન્ય
દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયામાં ભૂસ્ખલનથી 34 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. ભૂસ્ખલન કોલમ્બિયાના પર્વતીય પ્રદેશમાં થયું હતું. જ્યારે કુડિબો અને મેડેલિન શહેરોને જોડતા અતિ વ્યસ્ત રસ્તા પર કાદવનો પહાડ પડ્યો હતો. આ ઘટના શુક્રવારે બની હતી. કોલંબિયાના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટે શરૂઆતમાં 18 લોકોનાં મોતની માહિતી આપતા નિવેદન બહાર પાડ્યું હતું, મૃત્યુઆંક 34 પર પહોંચ્યો છે.
મૃતકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે.
ભૂસ્ખલનમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મૃતકોમાંથી 17 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે અને 17ની ઓળખ હજુ બાકી છે. કોલંબિયાના વાઇસ પ્રેસિડેન્ટ ફ્રાન્સિયા માર્ક્વેઝે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે અકસ્માતના સ્થળે હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, પરંતુ તેઓની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. ભૂસ્ખલનનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અકસ્માતના સ્થળે તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો હકો. આવી સ્થિતિમાં વરસાદના કારણે ભૂસ્ખલન થયું હોવાનું માનવામાં આવે છે. ત્યાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. અને તેને એક દુર્ઘટના ગણાવી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર વાહનોનો કાફલો હાજર હતો, પરંતુ અચાનક આખો પર્વત ધરાશાયી થઈ ગયો હતો. ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ જતા તેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા.


