- પોતાને લોહી ચઢાવવું પડે તો O ગ્રૂપ અને બીજા માટે બ્લડ ડોનેટ કરે તો A ગ્રૂપવાળાને જ આપી શકાય
- O ગ્રૂપ સમજી બીજાને લોહી ચઢાવાય તો શરીરે ફોલ્લા, શ્વાસમાં તકલીફ સહિતની સમસ્યા થઈ શકે
- લોહીના પરીક્ષણમાં વિસંગતતા સામે આવતાં નમૂના ઓસ્ટ્રેલિયા મોકલાયા હતા
નરોડા ખાતે આવેલી જીસીએસ હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે દુર્લભ બ્લડ ગ્રૂપની ઓળખ થઈ છે, શહેરના 25 વર્ષના એક યુવાને દાતા તરીકે રક્તદાન કર્યું હતું, જોકે રક્તદાનના પરીક્ષણમાં એવો ખુલાસો થયો હતો કે, આ રક્તદાતાનું બ્લડ ગ્રૂપ ઓ છે જ નહિ, હકીકતે એએક્સ ગ્રૂપ હોવાનું સામે આવ્યું છે. અંદાજે દર દસ હજાર વ્યક્તિમાંથી એક વ્યક્તિમાં આ દુર્લભ બ્લડ ગ્રૂપ હોય છે, એટલું જ નહિ પરંતુ લાખોમાં એક કેસ હોય તેવા પણ દુર્લભ બ્લડ ગ્રૂપની ઘટનાઓ સામે આવતી હોય છે.
અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં આવો પહેલો કિસ્સો સામે આવ્યો છે. આ દર્દીને સમજાવાયું છે કે, પોતે રક્તદાન મેળવે તો તેને ઓ બ્લડ ગ્રૂપનું લોહી મેળવવું પડે અને જો બીજા માટે રક્તદાન કરે તો તેનું રક્ત કોઈ એ બ્લડ ગ્રૂપની જરૂરિયાતવાળી વ્યક્તિને જ આપી શકાય છે. જો આવું ન થાય તો જેમને લોહી અપાયું છે તે વ્યક્તિને શરીરે ફોલ્લા થવા કે પછી શ્વાસ લેવામાં તકલીફ સહિતની અન્ય કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે.
હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે 25 વર્ષીય નિખિલ નામનો યુવક ડોનર તરીકે આવ્યો હતો. હોસ્પિટલની બ્લડ બેંકના ઈન્ચાર્જ પ્રોફેસર ડો. આશાબહેન પુરોહિતે જણાવ્યું હતું કે, લોહીનું પરીક્ષણ કરાતાં ખબર પડી કે, આ દુર્લભ બ્લડ ગ્રૂપ છે. યુવાનના રક્તમાં હિમોગ્લોબિનનું સ્તર 15.3 ગ્રામ-ડીએલ હતું, તેના બ્લડ ગ્રૂપમાં વિસંગતતા (નબળા એબીઓ પેટા જૂથો) નિયમિત બ્લડ ગ્રૂપ પરીક્ષણ દરમિયાન નોંધવામાં આવી હતી, જેમાં સેલ ગ્રૂપિંગમાં ઓ ગ્રૂપ અને સીરમ ગ્રૂપિંગમાં એ ગ્રૂપ દર્શાવતું હતું. આ વિસંગતતા સામે આવ્યા બાદ એડસોર્પ્શન-ઈલ્યુઝન પરીક્ષણ અને લાળના પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે, યુવાન પોતે રક્તદાન મેળવે તો તેણે ઓ બ્લડ ગ્રૂપ રક્ત લેવું પડે અને જો તે રક્તદાન કરે તો એ ગ્રૂપ વાળા માટે કરી શકે છે. ભાગ્યે જ આ પ્રકારના કેસ સામે આવતાં હોય છે. આ સ્થિતિમાં લોહી આપવામાં અને લેવામાં સાવચેતી રાખવી જરૂરી છે. હોસ્પિટલની બ્લડ બેંક સાથે સંકળાયેલા તબીબોએ જણાવ્યું હતું કે, રિવર્સ મૂવિંગ ટેસ્ટ કરાતાં વિસંગતતા હોવાની અમને ખબર પડી હતી. મોલિક્યુલર ટેસ્ટ માટે નમૂના ઓસ્ટ્રેલિયા ખાતેની લેબોરેટરીમાં પણ મોકલાયા હતા. યુવકના પરિવારના પણ લોહીના નમૂના લેવામાં આવ્યા હોવાનું તબીબોનું કહેવું છે. ઓ પોઝિટિવ માનીને જો બ્લડ ચઢાવી દેવાય તો સામેની વ્યક્તિને માઈલ્ડથી લઈ સિવિયર પ્રકારની તકલીફ ઊભી થતી હોય છે.


