કર્મચારીઓ દ્વારા કરાતા ઉધ્ધતાઇભર્યા વર્તન સામે રોષની લાગણી
અગ્ર ગુજરાત, વીરપુર
એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવા માટે ‘આયુષ્માન ભારત’ જેવી મોટી યોજનાઓની જાહેરાતો કરી રહ્યા છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહ્યા છે. પરંતુ બીજી તરફ, યાત્રાધામ વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓની બેદરકારીને કારણે સરકારની આ નેમ ધૂળમાં મળી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.
વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આવતા જરૂરિયાતમંદ અને બીમાર દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કાર્ડ કઢાવવા માટે આવતા દર્દીઓ કે તેમના સગા-વહાલાઓ સાથે અહીંના કર્મચારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને સંતોષકારક જવાબ આપવાને બદલે ઉડાવ જવાબો આપવામાં આવે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે, જે દર્દીઓ વ્હીલચેર પર હોય અથવા ચાલી શકવાની સ્થિતિમાં ન હોય, તેમને પણ પહેલા માળે (ઉપર) ચડવાની ફરજ પાડવામાં આવે છે. જ્યારે સગાઓ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે દર્દી સીડી ચડી શકે તેમ નથી, ત્યારે માનવતા નેવે મૂકીને કર્મચારીઓ દ્વારા એવું રોકડુ પરખાવી દેવામાં આવે છે કે “દર્દીને ઉપર જ લાવવા પડશે, બાકી કાર્ડની પ્રોસેસ નહીં થાય.”એવી હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા મનમાની કરવામાં આવે છે,
વીરપુર સરકારી હોસ્પિટલમાં આરોગ્યને લગતા અનેક વિભાગો આવેલા છે પરંતુ એ વિભાગોમાં ગુલ્ટીબાજકર્મચારીઓ અને ડોક્ટરરોને લઈને દર્દીઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે, કેટલાક વિભાગના કર્મચારીઓ અને ડોક્ટરો પોતાની ફરજ પર સમયસર આવતા ન હોવાથી દર્દીઓને ધરમના ધક્કા થઈ રહ્યા છે, તો બીજી તરફ ર્હોસ્પિટલના નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ ખાલી હોવા છતાં, તંત્ર દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી નીચે શરૂ કરવામાં આવતી નથી. માત્ર તંત્રની આળસ અને અણઘડ વહીવટને કારણે ગંભીર બીમાર દર્દીઓને ઉપરના માળે ધક્કા ખાવા પડે છે.તેમજ એમ્બ્યુલન્સની સુવિધાઓ હોવા છતાં દર્દીઓને એમ્બ્યુલન્સની સુવિધાઓની ના પાડી દેવામાં આવે છે, આમ સ્થાનિક હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે અને સરકારની શ્રેષ્ઠ સુવિધાનો લાભ મળતો નથી. કાર્ડ ન નીકળવાને કારણે તેઓ સારવારથી વંચિત રહી જાય છે.
વીરપુરની જનતા અને જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ છે કે, ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તાત્કાલિક તપાસ કરે. અશક્ત અને વૃદ્ધ દર્દીઓ માટે આયુષ્માન કાર્ડની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ ફ્લોર પર કરવામાં આવે અને અરજદારો સાથે અસભ્ય વર્તન કરતા કર્મચારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે જેથી સરકારની યોજનાનો સાચો લાભ લોકોને મળી શકે.
દર્દીઓને ગોંડલ, રાજકોટ, જૂનાગઢ રિફર કરી દેવામાં આવે છે.
વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં “અંધેરી નગરી ગંડુ રાજા” જેવી સ્થિતિ સર્જાય છે,હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને સારવારને બદલે કર્મચારીઓ ઉદ્ધતાય ભર્યું વર્તન કરે છે,તેમજ પ્રેગનેટ મહિલાઓને તેમજ અન્ય સારવાર લેવા આવતા દર્દીઓને સારવારને બદલે ગોંડલ કે રાજકોટ અથવા તો જૂનાગઢ રીફર કરી દેવામાં આવે છે, આ બાબતે વીરપુરના જાગૃત નાગરિકોએ અનેક વાર રોગી સમિતિને,તાલુકા હેલ્થ અધિકારીને તેમજ સ્થાનિક મેડિકલ ઓફિસરને અનેક વાર રજુઆત કરવા છતાં હોસ્પિટલમાં જો હુકમી ચલાવતા કર્મચારીઓ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે જોવાનું એ રહ્યું કે લોકોની આરોગ્યની ચિંતા ની મોટી મોટી વાતો કરતી સરકાર આ બાબતે કેવી કાર્યવાહી કરશે એ જોવું રહ્યું.


