- ભંડારીને ગુનો નોંધી EDને જાણ કરવાની ધમકી આપનાર PI પોલીસને નિર્દોષ લાગે છે!
- એટીએસને પૂરાવા ના મળતા પોલીસ બેડામાં નીતનવી ચર્ચાએ શરૂ થઈ
- દિપક જાનીએ પીઆઈ ગોહિલની સૂચના મુજબ કાર્યવાહી કરી હતી
ફરીઝ કરેલા બેંક એકાઉન્ટ અનફરીજ કરવા 25 લાખની લાંચ માંગવાની ફરિયાદની તપાસ કરી રહેલી ગુજરાત એટીએસના અધિકારીઓ પૂરાવા ના મળતા હોવાનો દાવો કરી રહ્યાનું સૂત્રો જણાવે છે. એટીએસ ટૂક સમયમાં ગોહિલ વિરૂદ્ધ પૂરાવા ના હોવાનો રિપોર્ટ કોર્ટમાં કરવાની હોવાની વિગતો મળી છે. જુનાગઢ પોલીસ પાસે ફરીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફરીઝ કરાવવા ગયેલા કાર્તિક ભંડારીને પીઆઈ એ.એમ.ગોહિલે ગુનો દાખલ કરી EDને જાણ કરવાની ધમકી આપી ચેતવણી ઉચ્ચારી હતી કે, આ બધાથી બચવું હોય તો એએસઆઈ જાની કહે તેમ કરજો. ફરિયાદમાં જણાવેલી આ વિગતો મુજબ લાંચની માંગણીમાં ગોહિલની સીધી સંડોવણી જોવા મળી હોવા છતાં પણ એટીએસને પૂરાવા ના મળતા પોલીસ બેડામાં નીતનવી ચર્ચાએ શરૂ થઈ છે. એટીએસને પીઆઈ ગોહિલ નિદોર્ષ લાગી રહ્યો છે પણ કયા એન્ગલથી તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવાની જગ્યાએ ચૂપકીદી સેવવામાં આવી રહી છે.
જુનાગઢના રેન્જ આઈજીને મળેલી ફરિયાદ મુજબ ફરીઝ કરેલા બેંક એકાઉન્ટ અનફરીઝ કરવા માટે એસઓજીના પીઆઈ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીએ 25 લાખની લાંચ માંગી છે. આ ફરિયાદ આધારે રેન્જ આઈજીએ તપાસ સોંપતા પોલીસની તપાસમાં પૈસાની માંગણી થયાનો ખુલાસો થતા પીઆઈ તરલ ભટ્ટ, એ.એમ.ગોહિલ અને એએસઆઈ દિપક જાની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ તરલ ભટ્ટે પ્રોહી-જુગાર ડ્રાઈવનો આધાર લઈ ખોટો ગુપ્ત ઈનપૂટ ઉભો કરીને પીઆઈ ગોહિલને વોટસએપથી 335 જેટલા બેંક એકાઉન્ટની ત્રણ એક્શેલ શીટ મોકલી હતી. આ એક્શેલ શીટ ગોહિલે એએસઆઈ દિપક જાનીને મોકલી જણાવ્યું હતું કે, આ શંકાસ્પદ બેંક એકાઉન્ટોની વિગતો તરલ ભટ્ટે મને મોકલેલ છે.આ બેંક એકાઉન્ટો ડેબીટ ફરીઝ કરવા માટે બેંકોને જાણ કરો. દિપક જાનીએ પીઆઈ ગોહિલની સૂચના મુજબ કાર્યવાહી કરી હતી.
તે પછી કાર્તિક ભંડારી પોતાનું બેંક એકાઉન્ટ અનફરીઝ કરાવવા માટે પહોંચ્યા ત્યારે જાની ઉપરાંત તેઓને પીઆઈ ગોહિલ સાથે મુલાકાત થાય છે. કાર્તિક ભંડારી સામે ગુનો નોંધી ઈડીને રીપોર્ટ કરવાની સૂચના આપી ગોહિલ તેઓને ડરાવે છે. ભંડારીને સાથે સાથે ગોહિલ ચેતવણી આપતા કહે છે કે, જો આ બધાથી બચવું હોય તો જાની કહે તેમ કરજો. બીજી તરફ દિપક જાનીની તપાસમાં તે જણાવે છે કે, અરજદારે ત્રણથી ચાર લાખ આપવાની તૈયારી બતાવતા તેઓ પીઆઈ ગોહિલ પાસે ગયા હતા. ત્યારે ગોહિલે તેઓને જણાવ્યું કે, આ રકમમાં હું શું કરૂ? તરલ ભટ્ટને શું આપું અને ઉપર અધિકારીઓને શું આપું? તે પછી જાની પીઆઈ ગોહિલની ચેમ્બરથી બહાર આવે છે ત્યારે અરજદાર ઓફિસમાંથી નીકળી ગયા હોય છે. આમ, ગોહિલની ફરિયાદ મુજબ સીધી સંડોવણી હોવા છતાં પણ સુત્રોના જણાવ્યા મુજબ એટીએસને પૂરાવા ના મળતા અનેક તર્કવીતર્ક શરૂ થયા છે. સમગ્ર મામલે અરજદારને ધમકાવતા દિપક જાની કહે તેમ કરવાની સૂચના કેમ આપી? વગેરે મુદ્દાઓના જવાબ એટીએસની તપાસમાં બહાર આવવા જરૂરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


