- નવું સંવત નવલી વાત
પદે પદે ચ રત્નાનિ યોજને રસકુપિકા !
ભાગ્યહીના ન પશ્યન્તિ બહુરત્ના વસુંધરા
અર્થાત્ ડગલે ડગલે રત્નો પડ્યાં છે, યોજને યોજને રસકુમ્પા છે, પણ ભાગ્યહીનને દેખાતાં નથી પૃથ્વી તો રત્નોથી ભરપૂર છે.
નવું સંવત આવે પણ તન, મન અને ધનની સમૃદ્ધિની વાત ન આવે તો નવા સંવતનો વટ ન પડે. કૌટિલ્ય અને કાર્લ માર્ક્સ કહે છે કે માનવીની તન-મનની તમામ સમસ્યાઓનું મૂળ અર્થશાસ્ત્રમાં રહેલું છે. આજના યુગમાં ધન એ સર્વોપરી છે, કારણ કે તમારી તંદુરસ્તી અને મનદુરસ્તીનો આધાર તમારા ધનની સ્થિતિ પર નિર્ભર કરે છે. અહીં ઈન્દ્રજાળના અદ્ભુત પ્રયોગની વાત કરી છે. અલબત્ત, ઈન્દ્રજાળ તો ઘેરઘેર હોય છે. ક્યાંક અસલી તો ક્યાંક નકલી…પરંતુ જો અસલ ઈન્દ્રજાળની સ્થાપના અન્ય અલભ્ય પદાર્થોના સમન્વય-સંયોજન સાથે યોગ્ય મુહૂર્તમાં, ચોક્કસ દિવસે, નિશ્ચિત નક્ષત્રમાં અને નિર્ધારિત સમયે કરવામાં આવે તો વ્યક્તિની અનેકોનેક મુરાદો પાર પડી જાય છે તે નિ:શંક અને નિર્વિવાદ સત્ય છે. આવો જ કોઈ યોગ-સંયોગ નવા સંવતમાં તમને સુખી-સમૃદ્ધ કરવા અને ઇન્દ્રાસનના માલિક બનાવવા આવી રહ્યો છે
દિવાળીએ આ પ્રયોગ સુખ-સમૃદ્ધિની વર્ષા કરશે
કામાખ્યા તંત્ર પુરાણ, કામરુ માયા તંત્ર અને અત્ર-તત્ર-મંત્રમાં ઈન્દ્રજાળ વનસ્પતિને માનવ અને દેવો માટેની સુખ-સમૃદ્ધિનું કારણ કહ્યું છે
વૈકુંઠના માલિક અને ઇન્દ્રાસનના અધિપતિ બનવા નવા સંવતમાં સર્જાનારા આ અલભ્ય યોગના પ્રયોગના ઉપયોગમાં આવતી સામગ્રી અને પદાર્થોનું લીસ્ટ બનાવી લો. (1) અસલ ઈન્દ્રજાળ (2) ગોમતી ચક્ર-3 (3) કોડી-3 (4)નાનો શંખ-1 (5) સાત ચણોઠી (6) કમળકાકડી-3 (7)અક્ષત ચોખા, ચપટી હળદર અને કંકુ (8) જન્મકુંડળી દોરવા A 4 સાઈઝનું ભોજપત્ર
(9) ઈન્દ્રજાળને મઢવા કાચની ફોટોફ્રેમ. સૌપ્રથમ આપણે સમજીએ કે ઈન્દ્રજાળ શું છે? ઈન્દ્રજાળ એ દરિયાના ઊંડા પેટાળમાં આપોઆપ ઊગતી અદ્ભુત વનસ્પતિ છે. તેનો આકાર જાળ જેવો દેખાય છે. આપણા પ્રાચીન ગ્રંથો કામાખ્યા તંત્ર પુરાણ, કામરુ માયા તંત્ર અને અત્ર-તત્ર-મંત્રમાં ઈન્દ્રજાળ વનસ્પતિને માનવ અને દેવો માટેની સુખ-સમૃદ્ધિનું કારણ કહ્યું છે. ઈન્દ્રજાળને અંગ્રેજીમાં સી ફેન (sea fan)કહે છે. આ વનસ્પતિ તિલસ્મી (જાદુઈ) અને ચમત્કારિક છે. કામાખ્યા તંત્ર પુરાણમાં ઇન્દ્રજાળને મેલીવિદ્યા દૂર કરનાર, નજરદોષથી રક્ષણ આપનાર, ધન-સંપત્તિ, સુખ-સમૃદ્ધિ વધારનાર અને તમામે તમામ ઐશ્વર્ય પ્રદાન કરનાર વનસ્પતિ કહી છે. કહેવાય છે કે દેવોના દેવ અને સ્વર્ગના માલિક સ્વયં ભગવાન ઈન્દ્રના ઇન્દ્રાસનની આકૃતિમાં ઈન્દ્રજાળની પ્રતિકૃતિ હતી. ઈન્દ્રજાળનો આકાર માનવશરીરમાં આવેલાં ફેફસાં, હૃદય અગર તો રક્તશિરાઓ જેવો દેખાય છે. આ દરિયાઈ વનસ્પતિમાં કંઈક જુદા પ્રકારની ઔરા અગર તો જીવનશક્તિના ગુણના કારણે જ તેને ઈન્દ્રજાળ નામ આપવામાં આવ્યું છે.
ઈન્દ્રજાળના આ અદ્ભુત પ્રયોગના ઉપયોગમાં લેવાનારા એક અન્ય દરિયાઈ નૈસર્ગિક પદાર્થનો પરિચય મેળવીએ. આ પદાર્થનું નામ છે ગોમતીચક્ર. દિવાળીટાણે વહેલી સવારે ઘરના મુખ્ય દરવાજે રેશમી વસ્ત્રમાં પાંચ ગોમતી ચક્ર બાંધવાનો રિવાજ અતિ પૌરાણિક અને અનુભૂત છે. ગોમતીચક્ર એટલે એક એવો સમુદ્રી પથ્થર કે જેના પર ભગવાન વિષ્ણુનું ચક્ર કુદરતી રીતે અંકાયેલું છે. પુરાણોક્ત દંતકથાઓ ગોમતીચક્રને મા લક્ષ્મીનું નાભિસ્થાન પણ કહે છે. એક અન્ય દંતકથા મુજબ ગોમતીચક્રને શેષનાગનાં ચક્ષુ કહે છે. અર્થાત્ ઊંડાણથી વિચારીએ તો ગોમતીચક્ર પર મા લક્ષ્મી, વૈકુંઠના માલિક ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનારાયણના આસન એટલે શેષનાગના આશીર્વાદ અને કૃપા છે. ગોમતીચક્ર જેને માફક આવે તેનું ભાગ્યચક્ર પલટાઈ જાય. આ પ્રયોગની મહત્ત્વની એક પૂજાસામગ્રી હળદરની વાત કરીએ. આયુર્વેદ અને ભારતીય સંસ્કૃતિમાં હળદર એક આગવું અને વૈજ્ઞાનિક સ્થાન ધરાવે છે. હળદર એક સચોટ એન્ટિ બાયોટિક દ્રવ્ય છે. લોહીના શુદ્ધીકરણ-રક્તકણની વૃદ્ધિ સાથેસાથે વાતાવરણમાં ઉત્પન્ન થતા વાઇરસ અને બેક્ટેરિયાનો નાશ કરી માનવજીવનને કુદરતની અમૂલ્ય તંદુરસ્તીની ભેટ એટલે હળદર. હળદર પીળી હોઈ તેના પર ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ છે. આથી જ લગ્નપ્રસંગે ગુરુનું શુભત્વ અને આશીર્વાદ લેવા વર-વધૂને પીઠી ચોળવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને કુબેર ભંડારી કહે છે. આથી જ્યાં ગુરુનો અને હળદરનો વાસ-રહેવાસ હોય ત્યાં શુભત્વ અને કુબેરના ખજાનાની સુવાસ હોય. ઈન્દ્રજાળના પ્રયોગમાં હળદરનો ઉપયોગ લક્ષ્મીને આકર્ષવા માટે જરૂરી છે.
આ પ્રયોગમાં ઉપયોગમાં આવનારી એક અદ્ભુત કુદરતી વસ્તુનું નામ છે શંખ. મહાભારતના યુદ્ધ એલાનમાં જગદગુરુ શ્રીકૃષ્ણએ શંખનાદ કરેલો અને અર્જુને વિજય મેળવેલો એ સત્ય સર્વવ્યાપી છે. શંખ પણ કુદરતી સમુદ્રી ઉપજ છે. શંખમાં ભગવાન વિષ્ણુનું સ્વર્ગ અને શ્રીકૃષ્ણના વિજયનો નાદ અને સાર છે. શંખમાંથી નીકળતા તરંગો અને એનર્જી આજુબાજુના વાતાવરણમાં ગજબની સકારાત્મક્તા લાવે છે. શંખ વિષ્ણુ ભગવાનની વાણી અને વચન છે. જેના પર તેની કૃપા ઊતરે તેને ભગવાન વિષ્ણુનું સ્વર્ગીય સુખ મળે તે નિર્વિવાદ છે.
ઈન્દ્રજાળના પ્રયોગના ઉપયોગમાં આવતી દુર્લભ વસ્તુઓનો વિસ્તારપૂર્વક વિચાર કર્યો, હવે આ અલભ્ય પ્રયોગની વિધિ અને તેનું મુહૂર્ત નક્ષત્ર-યોગ-વાર અને સમય વગેરે મહત્ત્વના પાસાઓનો વિચાર કરીએ.
ઈન્દ્રજાળના પ્રયોગમાં કોડી કે જેને આપણે કોડા પણ કહીએ છીએ તેનું પ્રાધાન્ય અગ્રેસર છે. કોડી પણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. કોડીના નીચેના ભાગને તમે ધ્યાનથી જુઓ તો તમને ભગવાન શિવની ત્રીજી આંખનો ભાસ-આભાસ થશે. શિવની ત્રીજી આંખ એટલે આજ્ઞાચક્ર અને કપાળના મધ્ય-ભાગ્યસ્થાને બેઠેલી સ્વયં લક્ષ્મી. ઈન્દ્રજાળ પ્રયોગની ફોટોફ્રેમમાં જે પદાર્થોનો ઉપયોગ થાય છે તેમાં ગોમતીચક્ર, શંખ, કોડી, ઈન્દ્રજાળ વનસ્પતિ, ચણોઠી, હળદર, કમળકાકડી સહિત તમામે તમામ સામગ્રીનો જે ઉપયોગ કરીએ છીએ તેનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ગોમતીચક્ર એટલે મા લક્ષ્મીની નાભિ, શંખ એટલે ભગવાન વિષ્ણુની વાણીના આશીર્વાદ અને ભાગ્યનો વિજયનાદ. કોડી એટલે ભગવાન શિવનું ત્રીજું નેત્ર, ઈન્દ્રજાળ એટલે ભાગ્યને પ્રાણવાયુ પૂરો પાડતી વનસ્પતિ. ઈન્દ્રજાળના પ્રયોગમાં ગોમતીચક્ર, કોડી, શંખનો ઉપયોગ કરો એટલે આપોઆપ મા લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને શિવના આશીર્વાદ મળી જ જાય છે. આ પ્રયોગના અન્ય પદાર્થોમાં વપરાતી કમળકાકડીમાં લક્ષ્મીનું સન્માન અને આહવાન છે. આજકાલ ઋણમુક્તિના પ્રયોગમાં કમળકાકડીનો વિપુલ ઉપયોગ થાય છે. ચણોઠી આસાનીથી પ્રાપ્ત થતું પૂજાદ્રવ્ય છે. અહીં સફેદ, લાલ-કાળી ચણોઠીનો ઉપયોગ વધુ હિતકર છે.
હવે અતિ મહત્ત્વનો મુદ્દો અર્થાત્ ઈન્દ્રજાળ પ્રયોગની યોગસાધનાનો સમય, વાર, તિથિ અને નક્ષત્રનું મુહૂર્ત. કોઈ પણ વિધિ નિર્ધારિત યોગમાં કરવામાં આવે તો તેનું શ્રેષ્ઠ ફળ મળે છે અને વાચકમિત્રો આ મુહૂર્ત છે તા.13 નવેમ્બર, 2023ના રોજ સવારે 07 ક.= 07 મિ. કામાખ્યા પુરાણ અનુસાર ઈન્દ્રજાળનો પ્રયોગ જો અમાસના દિવસે, વિશાખા નક્ષત્રમાં સોમવારે, અમૃત ચોઘડિયામાં ચંદ્ર હોરામાં કરવામાં આવે તો જાતક ઇન્દ્રલોકનાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, કારણ કે આ તારીખે અને સમયે અમાસ તિથિ, વિશાખા નક્ષત્ર, સોમવાર ઉપરાંત અમૃત ચોઘડિયું અને ચંદ્રની હોરા અમલમાં હશે. આવો અલભ્ય યોગ અને દુર્લભ પ્રયોગ કરવાનું ચૂકી જનાર ભાગ્યે જ કોઈ કમભાગી હોઈ શકે.
જણાવેલા સમયે નાહીધોઈ પીતાંબર ધારણ કરી દીવો ને અગરબત્તી પ્રગટાવી આસન પર બેસી તમારી જન્મકુંડળી A 4 સાઇઝના ભોજપત્ર પર લાલ શ્યાહીથી દોરી તેના પર ગુંદર અગર અન્ય કોઈ એડહેસિવથી સાવધાનીપૂર્વક ઈન્દ્રજાળ ચોંટાડી દેવી. ત્યારબાદ તેની જમણી બાજુ લેખમાં જણાવ્યા અનુસાર ગોમતીચક્ર લગાવવાં, ડાબી બાજુ કોડી અને શંખ લગાવવાં. ઈન્દ્રજાળની ઉપર એક પ્લાસ્ટિક બેગમાં ચણોઠી, હળદર, કંકુ, ચોખા અને કમળકાકડી લગાવવાં. આ તમામ વિધિ પૂર્ણ થયા પછી તેને ફોટોફ્રેમમાં મઢી લેવા અને નીચે જણાવેલો મંત્ર 11 માળા કરી ઈન્દ્રજાળની ફ્રેમને ઘરના મુખ્ય દરવાજાની અંદર બાજુએ ઉપર લગાવી દેવી. રોજ સવારે નાહીધોઈ અગરબત્તી કરી તેનાં દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેની પ્રાર્થના કરવી. પૂજા દરમિયાન કરવાનો મંત્ર.
`ઓમ ઈન્દ્રજાળ કામાખ્યા ભગવતી માતા ક્રાં ક્લીં
શ્રીમ શ્રીમ મમ ધન દેહિ ફટ સ્વાહા’
ઉપરોક્ત મંત્રની માળા રોજ પણ કરી શકાય.
(વિશેષ ટીપ : જે જાતક ઈન્દ્રજાળ સમક્ષ દીવો, અગરબતી, ધૂપ કરી `ઔમ હ્રીમ ક્લીં હ્રીમ મમ સર્વ સુખ પ્રાપ્તેન’ મંત્ર બોલતાં બોલતાં આંખનું મટકું માર્યા વિના એકીટશે ઈન્દ્રજાળની અંદર માત્ર 5 મિનિટ જોયા કરે તેને વૈકુંઠનું સુખ મળે છે.)