- રિગની આશંકા : સ્થાનિક ડેવલપર્સને જ રસ હોવાથી બોપલના ત્રણ પ્લોટમાં બિડ ન આવ્યાનો બચાવ
- કુલ 18,611 ચો.મી. એરિયા માટે બુધવારે ઇ-ઓક્શન થયું હતું
- જેમાં દરેક પ્લોટ માટે એક-એક જ બીડ આવી છે
શહેરી વિકાસ સત્તા મંડળ ( ઔડા) દ્વારા બોપલ, વેજલપુર, ચાંદખેડાના મળી કુલ 11માંથી બોપલના છ પ્લોટ માટે બુધવારે થયેલી હરાજીમાં એફ.પી.નં.269,272 અને 275ના કુલ 18,611 ચો.મી. એરિયા માટે બુધવારે ઇ-ઓક્શન થયું હતું. જેમાં દરેક પ્લોટ માટે એક-એક જ બીડ આવી છે. બિડ ભરનાર ત્રણેય ડેવલપર્સ તરફથી અપસેટ કિંમતથી માત્ર રુપિયા 100થી 200 રકમ વધારે ભરાઇ છે. જ્યારે બોપલના જ બે રેસીડેન્સીયલ અને એક કોમર્શિયલ પ્લોટ માટે કોઇ એક પણ બીડ આવી નથી. ડેવલપર્સના મતે સ્થાનિક સિવાયના ડેવલપર્સ રસ દાખવતા નહીં હોવાથી બોપલના ત્રણ પ્લોટમાં કોઇ બિડ આવી નહીં હોય.
ઔડાના સીઇઓ ડી.પી.દેસાઇએ કહ્યું કે, બોપલના ત્રણ પ્લોટ માટે ફરી હરાજી માટે બોર્ડ મંજુરીથી લઇ સંપૂર્ણ પ્રક્રિયા ફરી કરીને આગામી દિવસોમાં જાહેરાત કરાશે. જેના માટે સમય લાગશે. આ વખતે બોપલના ત્રણ પ્લોટમાં ઇ-ઓક્શનમાં અપસેટ કિંમતની આસપાસ ભરાયેલી રકમ યોગ્ય છે. કારણકે અપસેટ કિંમત વધારે જ હોય છે. કેટલાક ડેવલપર્સે કહ્યું કે, બોપલમાં એક ચો.મી.નો ઓછામાં ઓછો 70 હજારથી લઇ વધુમાં વધુ 1.25 લાખ રકમનો ભાવ છે.
જેથી બિડમાં ઔડાની અપસેટ કિંમતથી વધારે રકમ હોવી જોઇએ. કેટલાક ડેવલપર્સે કહ્યું કે, બોપલમાં ચારેય બાજુ નવી બાંધકામ સ્કીમો થઇ રહી છે. ત્યારે અપસેટ કિંમતથી વધુ રકમ ભરાય તો ડેવલપર્સને યુનિટ વેચવામાં તકલીફ પડે અને ધાર્યો નફો પણ કરી શકતો નથી. એટલે જ ત્રણ પ્લોટમાં કોઇ ડેવપર્સે રસ દાખવ્યો નહીં હોય. બીજીબાજુ ઔડાએ પ્લોટની હરાજીમાંથી અંદાજ મૂક્યા મુજબ એક હજાર કરોડની આવક નહીં થાય.


