- ચોમાસા પહેલા આ બ્રિજ ઉપર ડામર પાથરવામાં આવ્યો હતો
- વાહન ચાલકોએ 15થી 20 કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ શહેરમાં અવરજવર કરવી પડે છે
- સ્થાનિકો તંત્રના અધિકારીઓને ખાડા પૂરવા માટે અપીલ કરી રહ્યા છે
વરસાદમાં વલસાડ શહેરથી ચાલીસ ગામને જોડતો ઔરંગા નદીનો બ્રિજ બિસ્માર બનતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. બ્રિજ પર એટલા ખાડા પડ્યા છે કે ખાડા ગણવા મુશ્કેલ બની રહ્યા છે. વાહનોમાં બ્રિજ પર પડેલા ખાડાથી નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓ તંત્ર અને નેતાઓ પાસે સમારકામ કરવાની અપીલ પણ કરી રહ્યા છે.
વાહન ચાલકોએ 15થી 20 કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ શહેરમાં અવરજવર કરવી પડે છે
વલસાડ શહેરથી ખેરગામ તાલુકા સુધી 40 ગામને જોડતો ઔરંગા નદી પર બનેલ એકમાત્ર કૈલાસ રોડનો બ્રિજ જે દર ચોમાસામાં નદીના પૂરમાં ડૂબી જાય છે. વારંવારની રજૂઆત છતાં હજી આ બ્રિજ ઊંચો બનાવવામાં આવ્યો નથી. વર્ષો જુનો આ કૈલાશ રોડનો ઔરંગા નદીનો બ્રિજ ચોમાસામાં એટલો ખરાબ થઈ જાય છે કે ના છૂટકે વાહન ચાલકોએ 15થી 20 કિલોમીટરનો ચકરાવો કરી વલસાડ શહેરમાં અવરજવર કરવી પડે છે. 5,000થી વધુ લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે.
ચોમાસા પહેલા આ બ્રિજ ઉપર ડામર પાથરવામાં આવ્યો હતો
ચોમાસા પહેલા આ બ્રિજ ઉપર ડામર પાથરવામાં આવ્યો હતો. જોકે ચોમાસામાં વરસાદ પડ્યા બાદ બ્રિજ પર મોટી સંખ્યામાં ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા છે. બ્રિજ પરથી વાહન પસાર કરવા માટે વાહન ચાલકોને એક વાર વિચાર કરવો પડે છે. એટલા મોટા ખાડા પડ્યા છે કે લોકો આ બ્રિજ પરથી જોખમી રીતે પસાર થાય છે. બ્રિજની રેલિંગ પણ તૂટેલી હાલતમાં હોવાથી અકસ્માત સર્જાવવાનો પણ વાહનચાલકોને ભય સતાવે છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ કે હોસ્પિટલે જતા દર્દીઓને પણ ભારે હાલાકી ભોગાવી પડે છે. 108 એમ્બ્યુલન્સથી લઈને અન્ય હોસ્પિટલોની એમ્બ્યુલન્સ પણ આ રસ્તા પરથી અવરજવર કરતી હોય છે. સમગ્ર રાજ્યની અંદર ખાડારાજ જોવા મળ્યું છે તો અધિકારીઓના પાપે વલસાડ કેમ બાકી રહી જાય એ સ્થિતિ આજે વલસાડની પણ જોવા મળી રહી છે.
સ્થાનિકો તંત્રના અધિકારીઓને ખાડા પૂરવા માટે અપીલ કરી રહ્યા છે
આરએનબી વિભાગ દ્વારા બ્રિજ પર પડેલા ખાડામાં નાના પથ્થર કપચી નાખી ખાડા પૂરવામાં આવે છે. પરંતુ વરસાદનું જોર અને બ્રિજ પરથી અવર-જવર થતો ટ્રાફિક જેના કારણે એ રસ્તા ઉપર ટકી શકતો ન હોવાને કારણે ખાડાઓ વધુ મોટા થતા જાય છે ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓ અહીંના સ્થાનિક ધારાસભ્ય અને નેતાઓ તેમજ જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓને ખાડા પૂરવા માટે અપીલ કરી રહ્યા છે.


