- વર્લ્ડકપ 2023માં ડેવિડ વોર્નરે 528 રન બનાવ્યા
- વોર્નરે વર્લ્ડકપની બે આવૃત્તિમાં 500 પ્લસ રન બનાવ્યા
- ડેવિડ વોર્નરે સચિન અને રોહિતની બરાબરી કરી
વર્લ્ડકપ 2023 પહેલા ડેવિડ વોર્નરને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા. પરંતુ આ અનુભવી ખેલાડીએ વર્તમાન ટુર્નામેન્ટમાં 500 રનનો આંકડો પાર કરીને બધાને બતાવી દીધું કે તે મોટા મંચ પરનો ખેલાડી છે. ગુરુવારે સાઉથ આફ્રિકા સામેની સેમિફાઇનલ મેચમાં પણ જ્યારે ઓસ્ટ્રેલિયા 213 રનના નાના લક્ષ્યનો પીછો કરવા માટે આવ્યો ત્યારે તેણે 18 બોલમાં 29 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે તેણે 10 મેચમાં 528 રન પૂરા કર્યા છે. તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 49 ફોર અને 24 સિક્સર ફટકારી છે.
વોર્નરે સચિન અને રોહિતની બરાબરી કરી
ડેવિડ વોર્નરે વર્લ્ડકપ 2023માં 500 રનનો આંકડો પાર કરીને એક મોટી સિદ્ધિ મેળવી છે. તેણે એક વિશેષ રેકોર્ડમાં સચિન તેંડુલકર અને રોહિત શર્માની બરાબરી કરી છે. આ એક ખાસ રેકોર્ડ છે, બે વર્લ્ડકપ એડિશનમાં 500 પ્લસ રન બનાવવાનો રેકોર્ડ છે. સચિન અને રોહિત બાદ વોર્નર આવું કરનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. વોર્નરે સતત બીજા વર્લ્ડકપમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિત પણ સતત બે વાર આવું કરી ચુક્યો છે.
ODI વર્લ્ડકપની બે આવૃત્તિઓમાં 500 પ્લસ રન
- સચિન તેંડુલકર (1996, 2003)
- રોહિત શર્મા (2019, 2023)
- ડેવિડ વોર્નર (2019, 2023)
વર્લ્ડકપમાં ડેવિડ વોર્નરનું પ્રદર્શન
ડેવિડ વોર્નરનો આ ત્રીજો વનડે વર્લ્ડકપ છે. તેણે અત્યાર સુધીમાં કુલ 28 મેચ રમી છે અને તેના નામે કુલ 1520 રન છે. વોર્નરે આ ટૂર્નામેન્ટમાં કુલ 6 સદી અને પાંચ ફિફ્ટી ફટકારી છે. આ ટૂર્નામેન્ટમાં તેની એવરેજ 58.4 રહી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 101.19ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તે રોહિત શર્મા પછી વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજો ખેલાડી છે. જો ઓસ્ટ્રેલિયન ટીમ સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જશે તો તમામની નજર ફરી એકવાર ડેવિડ વોર્નર પર રહેશે.


