- ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ
- વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં 188 રનમાં ઓલઆઉટ થઈ
- જોશ હેઝલવુડે આ મેચમાં 250 વિકેટનો આંકડો સ્પર્શ કર્યો
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમની હાલત ખરાબ રહી છે. 26 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીતવા તડપી રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા શેમાર જોસેફ અને કેમાર રોચે છેલ્લી વિકેટ લઈને 55 રનની ભાગીદારી કરી ટીમનું સન્માન જાળવ્યું હતુ. જોશ હેઝલવુડે આ મેચમાં 250 વિકેટનો આંકડો પણ સ્પર્શ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી છે. બે મેચની સિરીઝની આ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. પેટ કમિન્સનો પ્રથમ ફિલ્ડીંગ કરવાનું નિર્ણય સાચો સાબિત થયો. તેમણે શાનદાર બોલિંગ કરી 4 વિકેટ ઝડપી લીઘી હતી. કમિન્સને તેના પાર્ટનર જોશ હેઝલવુડનો પણ સારો સપોર્ટ મળ્યો હતો. જોશ હેઝલવુડે પણ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક અને નાથન લિયોને એક-એક વિકેટ લીધી હતી.
જોસેફ 11માં નંબર પર છે
વેસ્ટ ઈન્ડિઝ તરફથી કિર્ક મેકેન્ઝીએ 50 રનની ઈનિંગ રમી હતી. અડધી સદી ફટકારનાર તે એકમાત્ર કેરેબિયન બેટ્સમેન હતો. ટીમના બાકીના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. મેચ દરમિયાન કેરેબિયન ટીમે 133 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ 11માં નંબર પર શેમાર જોસેફ આવી બેટિંગ કરી તે સારું રહ્યું. તેણે 41 બોલમાં 36 રનની ઇનિંગ રમીને વેસ્ટ ઈન્ડિઝને 188 રન સુધી પહોંચાડ્યું. નંબર 10 પર કેમાર રોચે બેટિંગ કરી 17 રન બનાવ્યા હતા. જોસેફ અને રોચે 10મી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી.
જોસેફ સહિત 3 ખેલાડીઓએ કર્યું ડેબ્યુ
વેસ્ટ ઈન્ડિઝના ત્રણ ખેલાડીઓ માટે ડેબ્યૂ ટેસ્ટ મેચ પણ છે. આ 3 ખેલાડીઓમાં શેમાર જોસેફ પણ સામેલ છે. જોસેફ ઉપરાંત કાવેમ હોજ અને જસ્ટિન ગ્રીવ્સ પણ આ મેચથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે. કેવેમ હોજે તેની પ્રથમ ટેસ્ટમાં 12 રન બનાવ્યા હતા. જ્યારે જસ્ટિન ગ્રીવ્સ 5 રનથી આગળ વધી શક્યો નહોતો.
જોશ હેઝલવુડની યાદગાર મેચ
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડે વેસ્ટ ઈન્ડિઝ સામે 4 વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે પોતાની ટેસ્ટ મેચોમાં વિકેટોની સંખ્યા 250ને પાર કરી લીધી છે. 33 વર્ષના જોશ હેઝલવુડની આ 67 મી ટેસ્ટ મેચ છે. આ મેચ પહેલા તેણે 249 વિકેટ લીધી હતી.


