- ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિમેન્સ વનડે સિરીઝ ચાલુ
- ઓલરાઉન્ડર અલાના કિંગ સિક્સર માર્યા બાદ હિટ વિકેટ થઇ
- સ્ક્વેર લેગ અમ્પાયરે ઊંચાઈને કારણે નો-બોલનો નિર્ણય આપ્યો
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિમેન્સ ત્રીજી વનડે મેચમાં એક અજીબ દ્રશ્ય જોવા મળ્યું, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર અલાના કિંગ સિક્સર માર્યા બાદ હિટ વિકેટ થઇ હતી. જોકે, અમ્પાયરે નો-બોલનો સંકેત આપતાં 28 વર્ષીય અલાના નોટ આઉટ રહી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નવમા નંબરે બેટિંગ કરવા આવેલી અલાનાએ 12 બોલમાં 17 રન બનાવ્યા હતા. તેણે બે સિક્સર ફટકારી હતી..
હિટ વિકેટ થઇ અલાના
મસાબતા કલાસ દ્વારા ફેંકવામાં આવેલી 48મી ઓવરમાં અલાનાએ સિક્સર મારવાની અને તે જ સમયે વિકેટ પડવાની ઘટના બની હતી. ઓવરના છેલ્લો બોલ મસાબતાએ ફુલ ટોસ નાખ્યો હતો જેના પર અલાનાએ લેગ સાઇડમાં હવાઇફાયર કર્યુ. ફુલ ટોસ બોલ કમરથી ઉપર હતો, જેના કારણે શોટ લેવાનો પ્રયાસ કરતી વખતે અલાનાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. આવી સ્થિતિમાં તેનું બેટ સ્ટમ્પ સાથે અથડાયું અને બેલ પડી ગયા. સ્ક્વેર લેગ અમ્પાયરે ઊંચાઈને કારણે નો-બોલનો નિર્ણય આપ્યો. આ પછી અલાનાએ ફ્રી હિટ બોલ પર સિક્સર પણ ફટકારી હતી.
મેચ સમરી
50મી ઓવરમાં મસાબતાએ અલાનાની ઇનિંગ્સનો અંત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વનડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 277 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 91 બોલમાં 10 ફોરની મદદથી 80 રનની ઇનિંગ રમી હતી. ઓપનર એલિસા હીલીએ 73 બોલમાં 60 રન ઉમેર્યા હતા. તેણે ફોર અને એક સિક્સ ફટકાર્યા હતા. તાહલિયા મેકગ્રાએ 35 બોલમાં 7 ફોરની મદદથી 44 રનનું યોગદાન આપ્યું હતું. મસાબતાએ આ મેચમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.


