- ગ્લેન મેકગ્રાની પત્નીનું બ્રેસ્ટ કેન્સરથી નિધન થયા બાદ પ્રત્યેક વર્ષની પ્રથમ ટેસ્ટ પિંક ટેસ્ટ તરીકે રમાય છે
- ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બુધવારેથી ત્રીજી ટેસ્ટ મેચ રમાશે
- આ મેચની પૂર્વસંધ્યાએ બંને ટીમે પિંક (ગુલાબી) કેપ પહેરીને ગ્રૂપ તસવીર પડાવી હતી
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બુધવારેથી ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચની પૂર્વસંધ્યાએ બંને ટીમે પિંક (ગુલાબી) કેપ પહેરીને ગ્રૂપ તસવીર પડાવી હતી. આ મેચમાં પિંક ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દ્વારા પિંક બેગી કેપ પહેરવામાં આવે છે જે પિંક ટેસ્ટનું પ્રતીક છે. પિંક ટેસ્ટનો મતલબ મેચ ગુલાબી બોલથી રમાશે તેવો નથી. પિંક બોલ ટેસ્ટ અને પિંક ટેસ્ટમાં ઘણો ફરક છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાતી વર્ષની પ્રથમ ટેસ્ટ મેચ પિંક ટેસ્ટ મેચ કહેવામાં આવે છે. મેચ દરમિયાન સ્ટમ્પ સહિત મેદાનની ચારેય તરફના સ્ટેન્ડ અને સાઇન ગુલાબી રંગના હોય છે. પિંક ટેસ્ટ મેચનો હેતુ બ્રેસ્ટ કેન્સર બાબતે લોકોને જાગૃત કરવાનો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રાએ આ બીમારીના કારણે પોતાની પત્ની જૈનને ગુમાવી હતી.
2005માં પિંક ટેસ્ટનો પ્રારંભ થયો છે
મેકગ્રાએ પોતાની પત્નીને સ્તન કેન્સર થયું હોવાની ખબર પડયા બાદ 2005માં મેકગ્રા ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. ફાઉન્ડેશને આ બીમારી અંગે જાગૃતતા વધારવા, દર્દીઓ તથા બીમારીમાંથી સાજા થયેલા લોકો માટે નાણાં એકત્ર કરવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સાથે ભાગીદારી કરી હતી. પ્રથમ પિંક ટેસ્ટ જૈનના નિધનના એક વર્ષ બાદ2009માં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફરીકા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ 19મી પિંક ટેસ્ટ રહેશે.
ઓસ્ટ્રેલિયા આઠ પિંક ટેસ્ટ જીત્યું છે
યજમાન ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 15 પિંક ટેસ્ટ રમ્યું છે જેમાં તેને આઠ વિજય મળ્યા છે. છ મેચ ડ્રો રહી હતી અને માત્ર એક ટેસ્ટ ડ્રો રહી હતી. પિંક ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવનાર એકમાત્ર ટીમ ઇંગ્લેન્ડ છે. 2011માં ઇંગ્લેન્ડે એક ઇનિંગ અને 83 રનથી વિજય મેળવ્યો હતો.


