- ઓસ્ટ્રેલિયા 286, લાબુશેન 71, વોક્સ 4/54
- ઈંગ્લેન્ડ 253, સ્ટોક્સ 64, ઝમ્પા 3/21
- સેમિફઇનલની રેસમાંથી બહાર થયેલું ઈંગ્લેન્ડ 10મા ક્રમે સરક્યું
અહીંના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં કાંગારુ ટીમે ઇંગ્લેન્ડને 33 રને પરાજય આપ્યો હતો.વિજય માટેના 287 રનના લક્ષ્યાંક સામે મેદાનમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાની ચુસ્ત બોલિંગ સામે ખુલીને રમી શકી નહોતી અને તે 48.1 ઓવરમાં જ ઓલઆઉટ થઇ જતા તેનો પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા વતી ઓપનર ડેવિડ મલાન (50) અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (64) રન જ થોડો ઘણો પ્રતિકાર કરી શક્યા હતા. લોઅર ઓર્ડરમાં મોઇન અલીએ 42 જ્યારે ક્રિસ વોક્સે 32 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય ઇંગ્લેન્ડના તમામ બેટ્સમેનો વિકેટ પર ટકવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયા વતી એડમ ઝમ્પાએ ત્રણ વિકેટ ખેરવી હતી જ્યારે મિચેલ સ્ટાર્ક, હેઝલવુડ અને સુકાની પેટ કમિન્સને બે-બે વિકેટ મળી હતી. ટોસ હાર્યા બાદ બેટિંગમાં આવેલી ઓસ્ટ્રેલિયન ટીમે 38 રનના સ્કોરે ઓપનર વોર્નર (15) તથા ટ્રેવિસ હેડ (11)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ અનુભવી બેટ્સમેન સ્મિથ (44) અને લાબુશેને ધીમે ધીમે ઇનિંગને આગળ વધારીને ત્રીજી વિકેટ માટે 96 બોલમાં 75 રનની ભાગીદારી નોંધાવી હતી. જોસ ઈંગ્લિસ (4) ટૂંકી ઇનિંગ રમીને આઉટ થયો હતો. લાબુશેન અને કેમરુન ગ્રીને 61 રનની ભાગીદારી નોંધાવી હતી. લાબુશેને 83 બોલમાં સાત બાઉન્ડ્રી વડે 71 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ ગ્રીને 47 તથા સ્ટોનિસે 32 બોલમાં 35 રન ફ્ટકારીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 200 પ્લસનો કરી દીધો હતો. ઇનિંગના અંત ભાગમાં એડમ ઝમ્પાએ 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. ક્રિસ વોકિસે 54 રનમાં ચાર તથા માર્ક વૂડે 70 રનમાં બે વિકેટ ખેરવી હતી.