ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે રવિવારે સિડનીમાં થયેલા ગોળીબારની તીવ્ર નિંદા કરી હતી. તેમણે આ ઘટનાને યહૂદીઓ પરનો અત્યંત ક્રૂર હુમલો ગણાવ્યો અને ઓસ્ટ્રેલિયન સરકારને દેશમાં વધતી યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ સામે લડત વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી.
વધતી જઈ રહેલી યહૂદી વિરોધી ભાવનાઓ અંગે ચિંતા
યેરુશલેમમાં એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતાં હર્ઝોગે કહ્યું,“હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આપણા ભાઈઓ અને બહેનો પર ઘૃણાસ્પદ આતંકવાદીઓ દ્વારા ખૂબ જ ક્રૂર હુમલો કરવામાં આવી રહ્યો છે.” તેમણે ઓસ્ટ્રેલિયન સમાજમાં વધતી જઈ રહેલી યહૂદી વિરોધી ભાવનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી અને તેને ગંભીર ખતરો ગણાવ્યો. જોકે, ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ તરફથી હજી સુધી સત્તાવાર રીતે આ હુમલો યહૂદી સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી.
સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના સૌથી પ્રખ્યાત બોન્ડી બીચ પર અંધાધૂંધ ગોળીબાર થતાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાના અહેવાલ છે. ગોળીબાર બાદ લોકો જીવ બચાવવા માટે અફરાતફરીમાં ભાગતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસનું નિવેદન
સિડની પોલીસે આ ઘટના અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે બોન્ડી બીચ વિસ્તારમાં ગોળીબારના અનેક અહેવાલો મળ્યા હતા. ત્યારબાદ કાર્યવાહી કરીને બે લોકોની અટકાયત કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ, પોલીસે જાહેર જનતાને સલામત સ્થળે આશ્રય લેવા અપીલ કરી છે અને ઘટનાની વિગતવાર તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો : Australia: સિડનીના બોન્ડી બીચ પર ગોળીબાર, 9 લોકોના મોત, હુમલાખોરને પોલીસે કર્યો ઠાર


