- મૃતક વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયામાં એમટેકનો અભ્યાસ કરી રહ્યો હતો
- ઝઘડા દરમિયાન વચ્ચે પડેલા વિદ્યાર્થીની છાતીમાં ચપ્પુ મારી દેતા મોત
- હત્યા કેસમાં હરિયાણાના કરનાલના બે ભાઈઓની ધરપકડ કરાઈ
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં એક 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ચપ્પુ મારી હત્યા કરવાનો કેસ સામે આવ્યો છે. હત્યા કેસમાં પોલીસે હરિયાના કરનાલના બે ભાઈઓની ધરપકડ કરી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિકટોરિયા પોલીસે સર્ચ ઓપરેશન બાદ બે આરોપી ભાઈની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિક્ટોરિયા કોર્ટમાં સુનાવણી માટે બંને આરોપીને લઈ જવાયા હતા. આ બંને આરોપી ભાઈઓની અન્ય સ્થળે તપાસ માટે લઈ જવાશે.
મેલબોર્નના દક્ષિણ-પૂર્વમાં આવેલા એક ઘરમાં 22 વર્ષીય નવજીત સંધુ અને 30 વર્ષીય શ્રવણ કુમાર ઈજાગ્રસ્ત થયા બાદ બંને ભાઈ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મૂળભૂત રીતે કરનાલના ગગસીના ગામમાં રહેતા સંધુની બે દિવસ પહેલા છાતીમાં ચપ્પુ મારી હત્યા કરી દેવાઈ હતી. કરનાલમાં રહેતા તેના કાકાના જણાવ્યા અનુસાર સંધુ પર એ સમયે ચપ્પુથી હુમલો કરાયો જ્યારે તે ભાડા મુદ્દે ભારતીય વિદ્યાર્થીઓમાં અંદરોઅંદર ઝઘડો થતો હતો અને આ દરમ્યાન તે વચ્ચે પડયો હતો. મૃતક ગત નવેમ્બર 2022માં સ્ટડી વીઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો. તે મેલબોર્નમાં એમટેકની ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો.
બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો
મળતી માહિતી અનુસાર, આરોપી મેલબોર્નમાં રહી રહ્યો હતો. સંધુના પરિવારનું માનવું છે કે આ હુમલો તેના પુત્રના કોઈ ઓળખીતા સાથે ઝઘડો થયો હતો. નવજીતસિંહ સંધુ ભારતના સામાન્ય ખેડૂત પરિવારનો પ્રતિભાવન અને આશાસ્પદ યુવક મેલબોર્નમાં રહીને ભણતો હતો. અને લડાઈમાં વચ્ચે પડતા તેનું ઢીમ ઢાળી દેવાયું. આ દુખદ ઘટનાને લીધે પરિવાર પર આભ તૂટી પડયું હતું. મૃતક નવજીતસિંહ સંધુ તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર અને બે બહેનોનો ભાઈ હતો.


