- મોલ બાદ સિડનીના ચર્ચમાં ચાકૂબાજીની ઘટના
- શખ્સે ચર્ચના પાદરી પર કર્યો ચાકુથી હુમલો
- પાદરી સહિત અનેક લોકો થયા હુમલામાં ઘાયલ
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વધુ એક ચાકૂબાજીની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે સિડનીના વેકલી ખાતે આવેલ ધ ગુડ શેફર્ડ ચર્ચમાં એક પાદરી સહિત અનેક કેટલાક અન્ય લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. ચાકૂબાજીની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે.
અહેવાલો અનુસાર, આ ઘટના સ્થાનિક સમય અનુસાર સોમવારે રાત્રે ચર્ચમાં સર્વિસ દરમિયાન બની હતી. પોલીસને ઘટનાની માહિતી મળતાં જ તેમણે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે આ શખ્સ પોલીસને તપાસમાં મદદ કરી રહ્યો છે.
આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બિશપ માર મારી ઇમેન્યુઅલ ચર્ચના સ્ટેજ પર ઊભા છે. આ દરમિયાન કાળું જેકેટ પહેરીને એક શખ્સતેમની તરફ આવે છે અને અચાનક જ પાદરી પર ચાકૂબાજી કરવા લાગે છે. ચાકૂબાજી થતાં પાદરી જમીન પર ફસડાઈ પડે છે અને શખ્સ વધુ 4થી 5 વખત તેમને ચાકુ મારે છે.
શનિવારે પણ ચાકૂબાજીની ઘટના બની હતી
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં શનિવારે ચાકૂબાજી અને ગોળીબારના કારણે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં 5 મહિલાઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. સિડની પોલીસે સોમવારે આ ઘટના અંગે મોટો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે શક્ય છે કે હુમલાખોરનું નિશાન માત્ર મહિલાઓ હતી, કારણ કે આ ઘટનામાં માર્યા ગયેલા છ લોકોમાંથી પાંચ મહિલાઓ છે. તેમજ ઘાયલોમાં માત્ર 12 મહિલાઓ હતી.


