- પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડનો 172 રનથી પરાજય
- ઓસ્ટ્રેલિયન ટીમે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી
- ઉસ્માન ખ્વાજાના બેટના સ્ટીકરને લઈને થયો વિવાદ
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ પ્રથમ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 172 રનની કારમો પરાજય આપ્યો હતો. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનના બેટ પર લાગેલા સ્ટીકરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાના બેટ પર કાળા કબૂતરનું સ્ટીકર હતું. સ્ટીકરોને લઈને ફરી વિવાદ ઉભો થયો હતી. આ પછી તેને મેચ દરમિયાન તેના બેટમાંથી સ્ટીકર હટાવવાની ફરજ પડી હતી.
બેટમાંથી સ્ટીકર હટાવવું પડ્યું
ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન, ખ્વાજાએ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે તેનું બેટ તૂટી ગયું, જેના કારણે તેણે નવું બેટ મંગાવ્યું હતું પરંતુ તે નવા બેટ પર બ્લેક ડવનું સ્ટીકર હતું. આ પછી તેણે બેટમાંથી બ્લેક ડવનનું સ્ટીકર હટાવવું પડ્યું. 36 વર્ષીય ખેલાડીએ તેની બેટિંગ ચાલુ કરતા પહેલા નિયમોનું પાલન કરવાનું હતું અને કબૂતરની તસવીર સાથેનું સ્ટીકર ઉતારવું પડ્યું હતું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ રાજકીય વિરોધને ટાંકીને પાકિસ્તાન સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન કબૂતરનું સ્ટીકર બેટ પર લગાવવાની ખ્વાજાની વિનંતીને ફગાવી દીધા બાદ વિવાદ ઊભો થયો હતો.
ખેલાડીએ બીજી વાર કરી ભૂલ
આ નિર્ણય છતાં, ખ્વાજાએ તેના નેટ સેશન દરમિયાન સ્ટીકરો પહેરીને પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખ્યું. જો કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલી અને ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ખ્વાજા પ્રત્યે તેમનું સંપૂર્ણ સમર્થન દર્શાવ્યું હતું અને પોતાની અભિવ્યક્તિના તેમના અધિકારનો સ્વીકાર કર્યો હતો. ખ્વાજાનો જન્મ ઈસ્લામાબાદમાં થયો હતો અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો સતત વિરોધ કરી રહ્યો છે. તેણે અગાઉ પાકિસ્તાન સામેની સીરિઝની શરૂઆતની મેચમાં કાળી પટ્ટી પહેરવા બદલ ICCની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે પણ આ મુદ્દો ખૂબ જ ગરમાયો હતો.


