- અફઘાન 5/291, ઝદરાન અણનમ 129
- ઓસ્ટ્રેલિયા 7/293, મેક્સવેલ 201*
- મેક્સવેલે એકલા હાથે બાજી પલટી નાખી
ખેંચાઇ ગયા હોવા છતાં લડાયક યોદ્ધાની જેમ મેદાનમાં ઝઝૂમનાર ગ્લેન મેક્સવેલે અણનમ 201 રન ફટકારીને અફઘાનિસ્તાનનો નિશ્ચિત જણાતો વિજય છીનવી લીધો હતો. અફઘાનિસ્તાને ઓપનર ઇબ્રાહિમ ઝદરાનના અણનમ 129 રનની મદદથી પાંચ વિકેટે 291 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ એક સમયે 91 રનના સ્કોરે સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેક્સવેલ અને સુકાની પેટ કમિન્સે આઠમી વિકેટ માટે અણનમ 202 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય અપાવી દીધો હતો. વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રીજી બેવડી સદી નોંધાઇ છે. અગાઉ 2015ના વર્લ્ડ કપમાં માર્ટિન ગુપ્ટિલ અને ક્રિસ ગેઇલે બેવડી સદી નોંધાવી હતી. મેક્સવેલ 128 બોલમાં 21 બાઉન્ડ્રી અને 10 સિક્સર વડે 201 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાના વિજય સાથે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનને પણ રાહત થઇ છે. અફઘાનિસ્તાન જીત્યું હોત તો ન્યૂઝીલેન્ડ પાંચમા તથા પાકિસ્તાન છઠ્ઠા ક્રમે સરકી ગયું હોત. ઓસ્ટ્રેલિયા હવે 12 પોઇન્ટ સાથે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થનાર ત્રીજી ટીમ બની ગઇ છે.