ઓસ્ટ્રેલિયાના સિડનીથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રવિવારે સિડનીના વિશ્વવિખ્યાત બોન્ડી બીચ પર અચાનક ગોળીબાર શરૂ થતાં લોકોમાં ભય ફેલાઈ ગયો. બીચ પર હાજર લોકો જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક ઘાયલ હાલતમાં જમીન પર પડી ગયા હતા.
ઓછામાં ઓછા 9 લોકોના મોત
પ્રાથમિક માહિતી મુજબ, આ ગોળીબારમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના આપી હતી.
હુમલાખોરને પોલીસે ઠાર કર્યો
પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર કરનાર શખ્સને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે હથિયાર નાખવાનો ઇનકાર કરતા પોલીસને ગોળીબાર કરવો પડ્યો. આ કાર્યવાહીમાં હુમલાખોરને ઠાર કરી દેવામાં આવ્યો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હાલ કોઈ વધુ ખતરો નથી અને પરિસ્થિતિ કાબૂમાં છે.
પોલીસનું સત્તાવાર નિવેદન
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે બોન્ડી બીચ પર બનેલી ઘટનાને લઈને વિશાળ સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે ઘટનાસ્થળથી દૂર રહે અને અફવાઓ પર વિશ્વાસ ન કરે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
પ્રવાસીઓથી ભરેલો વિસ્તાર બન્યો નિશાન
પૂર્વીય સિડનીમાં આવેલ બોન્ડી બીચ ઓસ્ટ્રેલિયાનો સૌથી લોકપ્રિય બીચ ગણવામાં આવે છે. ખાસ કરીને સપ્તાહના અંતે અહીં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ઉમટી પડે છે. આવી ભીડભાડવાળી જગ્યાએ થયેલા ગોળીબારથી સમગ્ર દેશને ઝટકો લાગ્યો છે. હાલમાં ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે અને પોલીસ ઘટનાના કારણો તથા હુમલાખોરની પૃષ્ઠભૂમિ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Australia: ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓના તહેવાર દરમિયાન ફાયરિંગ, બોન્ડી બીચ પર 10 લોકોના મોત


