- બાંગ્લાદેશ 8/306, ઓસ્ટ્રેલિયા 2/307
- મેન ઓફ ધ મેચ મિચેલ માર્શના અણનમ 177 રન
- સ્મિથે 64 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા
મેન ઓફ ધ મેચ બનેલા મિચેલ માર્શના અણનમ 177 તથા વોર્નર અને સ્મિથે નોંધાવેલી અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની 43મી મેચમાં બાંગ્લાદેશને 32 બોલ બાકી રાખીને આઠ વિકેટ હરાવવાની સાથે ટૂર્નામેન્ટમાં સતત સાતમો વિજય હાંસલ કર્યો હતો. બાંગ્લાદેશના આઠ વિકેટે 306 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમે 44.4 ઓવરમાં બે વિકેટના ભોગે 307 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. રનચેઝ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમે 12 રનના સ્કોરે ઓપનર ટ્રેવિસ હેડની (10) વિકેટ ગુમાવી હતી. વોર્નર અને માર્શે બીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય તરફ દોરી હતી. વોર્નરે 61 બોલમાં 53 તથા સ્મિથે 64 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. માર્શે 132 બોલમાં 17 બાઉન્ડ્રી તથા નવ સિક્સર વડે અણનમ 177 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશની ઇનિંગમાં તૌહિદના સર્વાધિક 74, મિરાઝના 29 તથા સુકાની નજમુલ હુસૈન શાન્તોના 45 રનનું મુખ્ય યોગદાન રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી વર્લ્ડ કપમાં ગ્લેન મેક્સવેલે અણનમ 201 રનનો બેસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી તમામ 15 ખેલાડીઓ વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી એક મેચ રમ્યા છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ બે મેચમાં ભાત સામે છ વિકેટે તથા બીજીમાં સાઉથ આફ્રિકા સામે 134 રનથી પરાજય મળ્યો હતો.


