- ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક શેફિલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે
- બેટ્સમેન વિલ પુકોવસ્કીના માથા પર બોલ વાગવાથી ઈજા
- વિલ પુકોવસ્કી માથા પર બોલ વાગવાથી રિટાયર્ડ હર્ટ થયો
ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ શેફિલ્ડ શીલ્ડમાં તસ્માનિયા અને વિક્ટોરિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં વિક્ટોરિયા ટીમના બેટ્સમેન વિલ પુકોવસ્કીના માથા પર બોલ વાગવાથી ઈજા થઈ હતી અને તે મેદાનની બહાર નીકળી ગયો હતો. પુકોવસ્કી તેની ક્રિકેટ કારકિર્દીમાં અત્યાર સુધી 13મી વખત બાઉન્સર બોલનો શિકાર બન્યો છે. આ વખતે જ્યારે તે બેટિંગ કરવા મેદાન પર આવ્યો ત્યારે તસ્માનિયા ટીમના ફાસ્ટ બોલર રિલે મેરેડિથ બાઉન્સર બોલને સમજી શકે તે પહેલા જ તે સીધો તેના માથા પર વાગ્યો હતો. પુકોવ્સ્કી આ ઇનિંગનો તેનો બીજો બોલ જ રમી રહ્યો હતો અને પછી બોલ વાગવાના કારણે રીટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું.
બોલ માથા પર વાગતા જ પુકોવસ્કી મેદાન પર પડી ગયો
વિલ પુકોવસ્કી ઇનિંગનો પોતાનો બીજો બોલ રમવા માટે ઓફ સ્ટમ્પની નજીક આવ્યો પરંતુ મેરેડિથે તેની સામે બાઉન્સર બોલનો ઉપયોગ કર્યો જેને તે બિલકુલ સમજી શક્યો નહીં. બોલ તેના માથામાં વાગ્યા બાદ પુકોવસ્કી સીધો મેદાન પર પડ્યો હતો અને તે પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ડૉક્ટર અને વિક્ટોરિયા ટીમના ફિઝિયો તરત જ તેની સ્થિતિ વિશે પૂછવા માટે મેદાનમાં આવ્યા હતા, ત્યારબાદ તેઓએ વિલને રિટાયર્ડ હર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. પુકોવસ્કીના સ્થાને, વિક્ટોરિયા ટીમે તેના પ્લેઈંગ-11માં કેમ્પબેલ કેલવેને 12 પ્લેયર તરીકે સામેલ કર્યો છે. આ મેચમાં વિક્ટોરિયાની ટીમને ચોથી ઇનિંગમાં જીતવા માટે 442 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા તેણે 3 વિકેટના નુકસાને 260 રન બનાવ્યા હતા.
ક્રિકેટ વિક્ટોરિયાએ પુકોવસ્કીની સ્થિતિ અંગે માહિતી આપી
ક્રિકેટ વિક્ટોરિયાએ બાઉન્સર ભોગ બનેલા વિલ પુકોવસ્કીની સ્થિતિ અંગે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે મેડિકલ સ્ટાફ તેની સંપૂર્ણ કાળજી લઈ રહ્યો છે અને અમે તમને વિલની સ્થિતિ વિશે સંપૂર્ણ અપડેટ આપતા રહીશું. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં ન્યૂ સાઉથ વેલ્સ સામેની મેચમાં પુકોવસ્કીને પણ બાઉન્સર બોલથી માથા પર વાગવાથી ઇજા થઇ હતી. આ પહેલા પુકોવસ્કીએ માનસિક સ્વાસ્થ્યને કારણે થોડો સમય ક્રિકેટમાંથી બ્રેક પણ લીધો હતો. અત્યાર સુધી વિલને ઓસ્ટ્રેલિયન ટીમ માટે માત્ર 1 ટેસ્ટ મેચ રમવાની તક મળી છે, જેમાં તેણે કુલ 72 રન બનાવ્યા છે.


