ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને મોટું નુકશાન થયું છે. ટીમનો એક સ્ફોટક બેટ્સમેન સ્લિપમાં કેચ પકડવાનો પ્રયાસ કરવામાં ગંભીર રીતે ઘાયલ થયો છે.
ઓસ્ટ્રેલિયાને થયું મોટું નુકશાન
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 207 રનમાં સમેટાઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 282 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દક્ષિણ આફ્રિકાએ 9 રનના સ્કોર પર રાયન રિક્લટનની વિકેટ ગુમાવી દીધી અને ત્યાર બાદ વિઆન મુલ્ડરે પણ 27 રન બનાવીને પેવેલિયન તરફ ચાલતી પકડી હતી. દક્ષિણ આફ્રિકાએ 70 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ, કેપ્ટન ટેમ્બા બાવુમા આફ્રિકાની ઇનિંગ્સને સંભાળવા મેદાન પર આવ્યો હતો.
કેચના પ્રયાસમાં સ્મિથ ઘાયલ
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાના બીજા દાવ દરમિયાન, 20મી ઓવરમાં સ્ટીવ સ્મિથ સ્લિપમાં કેપ્ટન ટેમ્બા બાવુમાનો કેચ કરવાનો પ્રયાસ કરવા ગયો અને ઘાયલ થઈ ગયો હતો. આ કેચ દરમિયાન સ્મિથને હાથની આંગળીઓમાં ઇજા થઈ હતી, અને તે ખૂબ પીડામાં દેખાઈ રહ્યો હતા. હાથમાં ગંભીર ઇજા થાય બાદ સ્ટીવ સ્મિથ મેદાન છોડીને ચાલ્યો ગયો હતો.
હેડને ઈજા અંગે ચિંતા વ્યક્ત કરી
ફાઇનલ મેચમાં સ્ટીવ સ્મિથને થયેલી ગંભીર ઇજા પર ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડને એક મોટું નિવેદન પણ આપ્યું હતું. હેડને કહ્યું, કે સ્મિથને સાજા થવામાં ઘણો સમય લાગી શકે છે. કદાચ તેને સર્જરી પણ કરાવવી પડી શકે છે. જો સ્મિથને સર્જરી કરાવવી પડી, તો પછી તેને લાંબા સમય સુધી મેદાનથી દૂર રહેવું પડી શકે છે. જોકે સ્મિથ બીજી ઇનિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, અને માત્ર 13 રન બનાવીને પેવેલિયન તરફની વાટ પકડી હતી.