જૂનાગઢ જિલ્લામાં બેફામ રીતે ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી પર તંત્રએ આજે સપાટો બોલાવ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાના સીધા આદેશ બાદ જિલ્લાના શીલ અને માંગરોળ તાલુકાના વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદે ખાણો પર દરોડા
જિલ્લામાં લાંબા સમયથી ધમધમતી ગેરકાયદેસર પથ્થરની ખાણો અંગે થોડા સમય પહેલા જ રજૂઆતો થઈ હતી, જેના પગલે કલેક્ટરે તાત્કાલિક એક્શન લેવાની સૂચના આપી હતી. આ સૂચનાના પગલે કેશોદના એસડીએમ (SDM) વંદના મીણાએ જાતે મોરચો સંભાળીને ઓપરેશન પાર પાડ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ કાર્યવાહી ખાણ ખનીજ વિભાગને જાણ બહાર કરવામાં આવી હતી.
શીલ અને માંગરોળમાં તંત્રએ દરોડા પાડ્યા
એસડીએમ વંદના મીણાના નેતૃત્વ હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને શીલ અને માંગરોળ વિસ્તારની ગેરકાયદેસર ખાણો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, ઘટના સ્થળેથી પથ્થર ભરેલા 25થી વધુ ટ્રક કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પથ્થર કટિંગ માટે વપરાતી અનેક ચકરડીઓ (કટિંગ મશીનો) પણ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. હાલમાં જપ્ત થયેલી ખનીજ ચોરીની ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બેફામ ચાલતી ગેરકાયદે ખાણો પર તંત્ર ત્રાટક્યુ
કલેક્ટરના સીધા આદેશ બાદ પ્રાંત અધિકારી દ્વારા આટલા મોટા પાયે થયેલી કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગેરકાયદેસર ખાણો ઘણા લાંબા સમયથી ધમધમતી હતી અને આ ખનીજ ચોરીમાં અનેક રાજકીય માથાઓના નામ ખુલે તેવી શક્યતા છે. પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


