લક્ષ્મી એટલે કે ધનનું સુખ આપણાં કર્મોને આધીન પ્રાપ્ત થાય છે. દુનિયાનાં તમામ ભૌતિક સુખ, પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન વગેરે બાબત શ્રી વિદ્યાને આધિન છે. દુનિયાનું તમામ સુખ પ્રાપ્ત કરવા લક્ષ્મીજીની અપાર કૃપા થવી જરૂરી છે. આપણને પ્રશ્ન એ થાય કે લક્ષ્મીજીની અપાર કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? આના પ્રત્યુત્તરમાં શાસ્ત્ર આપણને શ્રી વિદ્યાની ઉપાસના કરવાનું સૂચન કરે છે. શ્રી વિદ્યાની ઉપાસના શ્રીયંત્ર ઉપર થઈ શકે છે.
શ્રી વિદ્યા એટલે તમામ પ્રકારનું સુખ. જેમાં `શ્રી’ શબ્દનું મહત્ત્વ ઉત્તમ છે. `શ્રી’ એટલે લક્ષ્મી, `શ્રી’ એટલે ઐશ્વર્ય, `શ્રી’ એટલે યશ, `શ્રી’ એટલે કીર્તિ, `શ્રી’ એટલે પદ-પ્રતિષ્ઠા, `શ્રી’ એટલે સંસારનું સુખ, `શ્રી’ એટલે વિદ્યા-બુદ્ધિ, `શ્રી’ એટલે સર્વગુણ સંપન્ન. આપણા જીવનમાં ખૂબ લાંબા સમય સુધી અપાર સુખ, શાંતિ, આનંદ, ઐશ્વર્ય, બળ, તંદુરસ્તી, પદ-પ્રતિષ્ઠા ટકાવી રાખવા માટે તદુપરાંત માનવજીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ પણ મેળવવા માટે આપણે શ્રી વિદ્યાની ઉપાસના કરવી પડે. શ્રી વિદ્યાની ઉપાસના શ્રીયંત્ર ઉપર કરી શકાય.
શ્રી યંત્ર શું છે?
લોકો પોતાનાં રક્ષણ માટે તથા પરિવારના રક્ષણ માટે ઘર કે મકાન બનાવીને રહે છે. તેવી રીતે દેવી-દેવતાઓ યંત્રમાં બિરાજમાન રહે છે. તમામ દેવી-દેવતાનાં યંત્રનાં નામ અલગ-અલગ હોય છે. અહીંયાં લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે શ્રી વિદ્યા ઉપાસનાની વાત છે. તો લક્ષ્મીજીના નિવાસસ્થાન ને `શ્રી યંત્ર’ કહેવાય છે.
તમામ દેવી-દેવતાનાં યંત્રોમાં શ્રી યંત્રને યંત્રરાજ કહેવાય છે. શ્રીયંત્ર અનેક ધાતુમાંથી બની શકે છે. જેમ કે, તાંબાનું, ચાંદીનું, સ્ફટિકનું, મિશ્ર ધાતુનું. શ્રીયંત્ર એ લક્ષ્મીજીનું નિવાસસ્થાન તો છે જ, પરંતુ શ્રીયંત્રમાં પ્રાણપ્રતિષ્ઠા ખૂબ જરૂરી છે. શ્રીયંત્રમાં લક્ષ્મીજીની સ્થાપના થાય, મંત્રો દ્વારા તેમાં પ્રાણ પુરાય પછી તેની હકારાત્મક અસરો ખૂબ ઝડપથી જોવા મળે છે. શ્રીયંત્રની અંદર જે શ્રી મહાવિદ્યા દેદીપ્યમાન છે તે દશ મહાવિદ્યાઓમાંની એક છે. ભારતભરનાં અનેક પ્રતિષ્ઠિત મંદિરોમાં આ સિદ્ધ શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવેલી છે અને તેથી જ તે દેવમંદિરો અનેક પ્રકારે સુખી-સંપન્ન છે.
શ્રીયંત્રને સિદ્ધ કરવાના ઉપાય
(1) શ્રીસુક્ત દ્વારા શ્રીયંત્રમાં લક્ષ્મીજીની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ તેની અંદરની શ્રી વિદ્યાને જાગ્રત રાખવા માટે ઉપાસકે નિયમિત રીતે તેના ઉપર મંત્રજાપ ને સ્તોત્ર જાપ કરવા જોઈએ. આ માટે વર્ષભરની ચારેય નવરાત્રિ તેમજ દીપાવલીના પાંચ દિવસ દરમિયાન શ્રીયંત્રને સિદ્ધ કરવા માટેનો ઉત્તમ સમય ગણાય છે. જેમાં શ્રી મહાલક્ષ્મીજીને અતિ પ્રિય એવા `શ્રી સુક્ત’ સ્તોત્રની 16 ઋચાઓનું પઠન કરતાં કરતાં દૂધ, મલાઈ, કેસર અને મધ તથા ગંગાજળનું મિશ્રણ કરી શ્રીયંત્ર ઉપર અભિષેક કરવાથી શ્રી લક્ષ્મીજી અતિ પ્રસન્ન થાય છે.
(2) શ્રી વિદ્યા ખડગમાલા સ્તોત્ર : કોઈ બ્રાહ્મણ આચાર્ય કે જ્ઞાની વ્યક્તિના માર્ગદર્શનથી ઉપાસક શ્રી વિદ્યા ખડગમાલા સ્તોત્રના પાઠ કરે તો પણ શ્રીયંત્રમાં શ્રી વિદ્યા જાગ્રત થાય છે.