અયોધ્યાના રામ જન્મભૂમિ સંકુલમાં VIP દર્શન માટે પાસ અપાવવાના નામે લોકો સાથે છેતરપિંડી આચરનારા 3 ઝડપાયા છે. હાલમાં પોલીસે આ ત્રણેય લોકોની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓ ભક્તો પાસેથી પૈસા લઈ રહ્યા હતા અને તેમને VIP દર્શનનો પાસ આપવાનું કહી રહ્યા હતા. પોલીસે આ ત્રણેય લોકોની રામ જન્મભૂમિ પરિસરના રામ ગુલેલા બેરિયર પરથી જ ધરપકડ કરી લીધી છે.
આરોપીઓએ કેવી રીતે છેતરપિંડી કરી?
મળતી માહિતી મુજબ ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આરોપીઓની ઓળખ શૈલેન્દ્ર સિંહ, બ્રિજવાસી અને સંદીપ તરીકે થઈ છે. જોકે સંદીપ વિશે હજુ સુધી વિગતવાર માહિતી મળી શકી નથી. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપીઓ ભક્તોનો સંપર્ક કરતા હતા અને તેમને ખાતરી આપતા હતા કે તેઓ ખાસ VIP પાસ દ્વારા રામ મંદિરમાં સરળતાથી દર્શન કરાવી દેશે અને લાઈનમાં પણ તેમને ઉભું રહેવાની જરૂર નહીં પડે. તેના બદલામાં આરોપીઓ મોટી રકમ વસૂલતા હતા. જ્યારે પોલીસને આ છેતરપિંડી વિશે જાણ થઈ તો ત્યારે તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણેય લોકોની ધરપકડ કરી લીધી છે.
આરોપીઓની કોઈ મોટી ગેંગ સક્રિય છે કે નહીં તેને લઈ તપાસ શરૂ
ધરપકડ બાદ પોલીસે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ આરોપીઓની કોઈ મોટી ગેંગ સક્રિય છે કે નહીં. રામ જન્મભૂમિ પોલીસે ભક્તોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અનધિકૃત વ્યક્તિ પાસેથી VIP દર્શન પાસ મેળવવાની જાળમાં ના ફસાય અને આવી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે તાત્કાલિક પોલીસને જાણ કરે.