- 241 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે સ્ટશેનનું નિર્માણ થઈ રહ્યું છે
- સ્ટેશન પરથી રોજ 50 હજાર લોકોનું આવાગમન થવાનું અનુમાન
- અયોધ્યા રેલવે સ્ટેશનના પુનનિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા જશે. તેની પહેલાં અયોધ્યા રેલવે સ્ટેશનના પુનનિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, અને 15 જાન્યુઆરી સુધીમાં પૂરું કરી દેવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અયોધ્યા રેલવે સ્ટેશનને એવી રીતે બનાવાઈ રહ્યું છે કે રામમંદિરની પ્રથમ ઝલક સ્ટેશન પર જ દેખાઈ આવે. તેની ઇમારત રામમંદિરથી પ્રેરિત છે. રેલવેનું કહેવું છે કે આ સ્ટેશન પર દરરોજ 50 હજાર લોકોનું આવાગમન થઈ શકે છે, તેને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધાઓ અનુસાર સ્ટેશન તૈયાર કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 241 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે સ્ટશેનનું નિર્માણ થઈ રહ્યું છે. રેલવેના અધિકારીઓનું કહેવું છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચશે ત્યારે રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે.
ગ્રીન રેલવે સ્ટેશન રૂપે તૈયાર કરાય છે
પુનનિર્મિત રેલવે સ્ટેશનમાં શોપિંગ મોલ, કેફેટેરિયા, રિક્રિયેશનલ ફેસિલિટી અને ખૂબ મોટી પાર્કિંગ સ્પેસ ઉપલબ્ધ હશે. ડિઝાઇન અનુસાર આ સ્ટેશન બે માળનું હશે. ગ્રાઉન્ડ ફ્લોરનો સંપૂર્ણ વિસ્તાર 3,945 વર્ગમીટરનો હશે. સ્ટેશન પરના બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તેને છ મીટર પહોળો કરાયો છે. આ સુવિધા ઉપરાંત સ્ટેશન પર મોટો સર્ક્યુલેટિંગ એરિયા પણ હશે. સ્ટેશનની ડિઝાઇન રામમંદિર જેવી જ હશે. તેની સામે મોટો પાર્ચ હશે, તેની બનાવટ એવી હશે કે ખરાબ હવામાનમાં મુસાફરોને સુવિધા મળી રહે. અધિકારીએ જણાવ્યું કે, આ સ્ટેશનને ગ્રીન સ્ટેશન રૂપે તૈયાર કરાઈ રહ્યું છે, જેમાં આવવા અને જવા માટે અલગ અલગ વ્યવસ્થા હશે. સ્ટેશનમાં 12 લિફ્ટ અને 14 એસ્કેલેટર લગાડવામાં આવશે. મુસાફરોના નાસ્તા-પાણી-ભોજન માટે ફૂડ પ્લાઝા પણ હશે.