- અયોધ્યા રામમંદિરને લઇને પ્રહલાદ જોષીએ કોંગ્રેસને આપ્યો જવાબ
- મંદિરને લઇને ભાજપ પર રામ લિંગા રેડ્ડીએ કરી હતી ટિપ્પણી
- રામમંદિરના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનારાઓની વિચારધારા બદલાઇ- પ્રહ્લાદ જોશી
22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. આ સમારોહમાં ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે રામ મંદિરને લઇને વિપક્ષીઓ ભાજપ પર ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે વિપક્ષીઓને કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોષીએ વળતો પ્રહાર કર્યો હતો.
વિરોધીઓના સૂર બદલાયા
કેન્દ્રીય મંત્રી જોશીએ આ અંગે જણાવ્યુ હતુ કે જેઓ પહેલા એમ કહેતા હતા કે ભગવાન રામનો જન્મ અવધમાં થયો તેના કોઇ પુરાવા નથી. હવે આજે આ લોકોની વિચારધારા બદલાઇ ગઇ છે. તેઓ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ગુજરાતી મંદિરોમાં પૂજા કરવા જઇ રહ્યા છે અને પોતે હિંદુ હોવાનું પણ કહી રહ્યા છે. આ અમારી પાર્ટીની તાકાત છે કે જેઓ વિરોધ કરતા હતા તેઓના સૂર આજે બદલાઇ ગયા છે. સાથે જ તેમણે રામમંદિર બનાવવા માટે મહેનત કરનાર તમામનો આભાર માન્યો હતો.
‘ટોચના નેતાઓએ બલિદાન આપ્યા’
સંસદીય કાર્ય મંત્રી જોશીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ભાજપની જે વિચારધારા છે તેનાથી લોકોમાં જે પરિવર્તન આવ્યુ છે તે જોઇ શકાય છે. સાથે જ તેમણે ખુશી વ્યક્ત કરી કે તેઓ એક એવી પાર્ટી સાથે જોડાયેલા છે જેના ટોચના નેતાઓએ તેને આગળ લઈ જવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.
કોંગ્રેસ નેતાએ શું કહ્યું હતું ?
કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડીએ રવિવારે રામ મંદિરનો શ્રેય લેવા માટે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજીવ ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા તો તેમણે મંદિર ખોલવા માટે પગલા લીધા હતા. મંદિર પર તાળુ લાગેલુ હતું. જ્યારે રાજીવગાંધી પ્રધાનમંત્રી હતા તે દરમિયાન રામ મંદિર ખોલવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.


