- રામલલાના અભિષેક દરમિયાન અયોધ્યામાં આકાશ સ્વચ્છ રહેશે
- હવામાન વિભાગે અયોધ્યા માટે હવામાન અંગે ખાસ પેજ લોન્ચ કર્યુ
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાં ભેજનું પ્રમાણ 50 ટકા
અયોધ્યા રામ નગરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ છે. રામમંદિરને લઈને અયોધ્યા ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ધ્યાનનું કેન્દ્ર સ્થાન બની ગયું છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે દરેક લોકો અયોધ્યા વિશે વધુને વધુ જાણવા માંગે છે. લાખો લોકોની અવરજવર અને મહાનુભાવોની મુલાકાતને લઈને હવામાન વિભાગે અયોધ્યા માટે એક અલગ પેજ લોન્ચ કર્યું છે.
IMD એ અયોધ્યા માટે સમર્પિત પેજ લોન્ચ કર્યું
અયોધ્યામાં રામ જન્મોત્સવની તડામાર તૈયારીઓને જોતાં હવામાન વિભાગે અયોધ્યા માટે એક અલગ પેજ લોન્ચ કર્યું છે, જેમાં આગામી 7 દિવસ માટે હવામાનની સ્થિતિ જાણી શકાશે. IMD એ અયોધ્યા માટે સમર્પિત પેજ લોન્ચ કર્યું: રામ મંદિરને લઈને સમગ્ર વિશ્વની નજર અયોધ્યા પર છે. દરેક વ્યક્તિ રામલલાને જોવા માંગે છે.
અયોધ્યામાં ઓટોમેટિક વેધર સ્ટેશન (AWS) પણ લગાવાયું
અત્યારની અયોધ્યાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે તેની વેબસાઇટ પર અયોધ્યા માટે એક અલગ પેજ ઉમેર્યું છે. તેની મદદથી લોકો આગામી 7 દિવસ માટે હવામાનની સ્થિતિ વિશે જાણી શકશે. મળતી માહિતી મુજબ, હવામાન વિભાગે ત્રણ-ચાર મહિના પહેલા અયોધ્યામાં હવામાન વિભાગનું નેટવર્ક બિછાવવાનું કામ શરૂ કર્યું હતું. આ અંતર્ગત, જ્યારે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવામાન વિભાગની ઓફિસ શરૂ કરવામાં આવી છે, ત્યારે અયોધ્યામાં ઓટોમેટિક વેધર સ્ટેશન (AWS) પણ લગાવવામાં આવ્યું છે.
મહત્તમ તાપમાન 22.0 ડિગ્રી અને લઘુત્તમ 10.5 ડિગ્રી
IMDના રિપોર્ટ અનુસાર 22 જાન્યુઆરીએ અયોધ્યાનું હવામાન સાફ રહેશે. રામલલાના અભિષેક દરમિયાન અયોધ્યામાં આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 22.0 ડિગ્રી અને લઘુત્તમ 10.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવામાં ભેજનું પ્રમાણ 50 ટકા સુધી રહી શકે છે.


