- WHO અને આયુષ મંત્રાલયના ટોચના અધિકારીઓ કાલે સૂચિ જાહેર કરશે
- બધા દેશો તાવથી લઈને અન્ય બધા પ્રકારની બીમારીઓનાં ભારતીય નામ જાણી શકશે
- બીમારીઓનાં ભારતીય નામોને વૈશ્વિક ઓળખ અપાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે
બીમારીઓનાં ભારતીય નામોને વૈશ્વિક ઓળખ અપાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. હવે અમેરિકા, ચીન, જાપાન, અને યુકે સહિત દુનિયાના બધા દેશો તાવથી લઈને અન્ય બધા પ્રકારની બીમારીઓનાં ભારતીય નામ જાણી શકશે અને શોધ અને સંશોધનમાં તેનો ઉલ્લેખ પણ કરશે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીસ નામની એક સૂચિ તૈયાર કરી છે, જેમાં ભારતીય પારંપરિક ચિકિત્સાની શબ્દાવલિને સામેલ કરી છે. આયુર્વેદ, યુનાની, સિદ્ધ, અને હોમિયોપથી સહિત બધી સારવારમાં રોગના વર્ગીકરણ થયાં છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે WHOએ સ્થાન આપ્યું છે. 10 જાન્યુઆરીએ ભારતમાં WHO અને આયુષ મંત્રાલયના ટોચના અધિકારીઓ સંયુક્ત રીતે આ સૂચિ જાહેર કરશે. તેનો સૌથી મોટો લાભ શોધ અને સંશોધનને મળશે. કેમ કે, અત્યારે ભારતમાં આ બીમારીઓને જે નામથી ઓળખવામાં આવે છે તેના વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતી નથી હોતી. ઉદા.ત. વર્ટિગો ગિડિનેસ ડિસઓર્ડરને આયુર્વેદમાં ભ્રમઃ, સિદ્ધમાં અજલ કિરુકિરુપ્પુ, અને યુનાનીમાં સદ્ર-ઓ-દુવાર એવા નામે ઓળખવામાં આવે છે.
બીમારીઓના કોડ પણ બનાવાયા
આયુષ મંત્રાલયે તાજેતરમાં જ નેશનલ આયુષ મોર્બિડિટી એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ ઇલેક્ટ્રોનિક પોર્ટલ (નમસ્તે) લોન્ચ કર્યું છે. જેના પર આયુર્વેદ, સિદ્ધ, યુનાની સહિત બધી પારંપરિક ચિકિત્સામાં બીમારીઓને જે નામે ઓળખાય છે તેને એક કોડ સ્વરૂપ આપવામાં આવ્યું છે. બધા રોગ માટે કોડ બનાવાયા છે, જેના માટે WHO સાથે કરાર થયા હતા. આ પ્રયાસથી ભારતની સાર્વજનિક આરોગ્ય સંભાળ વિતરણ વ્યવસ્થા, શોધ અને સંશોધન, આયુષ વીમા કવરેજ, નીતિનિર્માણ વ્યવસ્થા સશક્ત થશે.


