- Facebook પોપ-અપ મેસેજ દ્વારા યુઝર્સને આપી રહ્યું છે ફીચર અંગે નોટિફિકેશન
- આ ફીચરનો ઉપયોગ Adsને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવશે
- ફેસબૂક એપ દ્વારા ક્લિક કરવામાં આવેલ લિન્કને એક ચોક્કસ જગ્યાએ સ્ટોર કરશે
ફેસબૂકે તાજેતરમાં જ પોતાનું એક ફીચર Link History રોલઆઉટ કર્યું છે. આ ફીચર તમારા ફેસબૂક એપ દ્વારા ક્લિક કરવામાં આવેલ લિન્કને એક ચોક્કસ જગ્યાએ સ્ટોર કરશે. આમ તો યુઝર્સ પાસે આ ફીચર ઓન-ઓફ કરવાની સુવિધા હશે, પરંતુ ડિફોલ્ટ રૂપે આ Link History ફીચર ઓન રહેશે.
આનો ઉપયોગ Adsને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવશે. જ્યારે એક તરફ ધારાશાસ્ત્રીઓ ટેક રેગ્યુલેશન લાવી રહ્યા છે, ત્યારે Apple અને Google જેવી કંપનીઓ ગોપનીયતાને મજબૂત બનાવી રહી છે. તો, Meta લોકોનો ડેટા એકત્રિત કરવાની નવી રીતો શોધી રહ્યું છે. આવી જ એક સુવિધા છે Link History.
Metaની આ ફીચરમાં શું છે ખાસ?
કંપની આ ફીચરને યૂઝફૂલ ટૂલ તરીકે પ્રમોટ કરી રહી છે, પરંતુ સાચી વાત તો અલગ છે. કંપની તેને એક એવું ટૂલ કહી રહી છે જે તમારી ફેસબુક બ્રાઉઝિંગ એક્ટિવિટી એક જ જગ્યાએ સેવ કરશે. કંપનીનું કહેવું છે કે નવા ફીચરની મદદથી તમે ‘ક્યારેય લિંક મિસ નહીં કરો’.
ફેસબુક આ અંગેની જાણકારી પોપ-અપ મેસેજ દ્વારા આપી રહ્યું છે અને લોકોને આ ફીચરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. જોકે, કંપની પોતાના પોપ-અપ મેસેજમાં ઉલ્લેખ કરી રહી છે કે ‘જ્યારે તમે લિંક હિસ્ટ્રીને મંજૂરી આપો છો, ત્યારે અમે તમારી માહિતીનો ઉપયોગ વિવિધ મેટા ટેક્નોલોજી પર Ads ને સુધારવા માટે કરી શકીએ છીએ.’
90 દિવસમાં ડિલીટ થશે ડેટ
કંપનીનું કહેવું છે કે આ ફીચરને ઓફ કર્યા બાદ તે 90 દિવસની અંદર યુઝરની લિંક હિસ્ટ્રી ડિલીટ કરી નાંખશે. ફેસબુકના હેલ્પ પેજ મુજબ, લિંક હિસ્ટ્રી હજુ સુધી તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફીચર સમયની સાથે વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે.


