- બાબર આઝમે T20 ક્રિકેટમાં 10000 રન પૂર્ણ કર્યા
- વિશ્વનો સૌથી ઝડપી 10000 રન પૂર્ણ કરનાર બેટ્સમેન
- બાબર આઝમે 271 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી
પાકિસ્તાનનો સુપરસ્ટાર બેટ્સમેન બાબર આઝમ હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો છે. તેણે આ લીગ દરમિયાન T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. બાબર આઝમે T20 ક્રિકેટમાં એક એવું કારનામું કર્યું છે જે આ પહેલા દુનિયાનો કોઈ બેટ્સમેન નથી કરી શક્યો. બાબર આઝમે પોતાની કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ ઉમેરી છે.
બાબરના T20માં 10000 રન પૂરા
બાબર આઝમે T20 ક્રિકેટમાં 10000 રન પૂરા કર્યા છે. આવું કરનાર તે વિશ્વનો 13મો બેટ્સમેન બની ગયો છે. પરંતુ તે વિશ્વનો સૌથી ઝડપી 10000 T20 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા ક્રિસ ગેલ આ મામલે ટોપ પર હતો જેણે 285 ઇનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. ગેલ 2017માં આ ફોર્મેટમાં 10,000 રનનો આંકડો તોડનાર પ્રથમ ખેલાડી પણ હતો. બાબરની વાત કરીએ તો તેણે માત્ર 271 ઇનિંગ્સમાં 1000 T20 રન બનાવ્યા છે.
વિરાટ-ગેલ જેવા દિગ્ગજોને પાછળ છોડ્યા
બાબર આઝમે પેશાવર જાલ્મી અને કરાચી કિંગ્સ વચ્ચે ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગ (PSL)ની છઠ્ઠી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ રેકોર્ડ બનાવવા માટે તેને આ મેચ પહેલા માત્ર 6 રનની જરૂર હતી. ગેલ સિવાય તે વિરાટ કોહલી, ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ અને જોસ બટલરને હરાવીને આ રેકોર્ડમાં ટોચ પર પહોંચી ગયો છે.
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 10000 રન
- 271 ઇનિંગ્સ- બાબર આઝમ
- 285 ઇનિંગ્સ – ક્રિસ ગેલ
- 299 ઇનિંગ્સ- વિરાટ કોહલી
- 327 ઇનિંગ્સ- ડેવિડ વોર્નર
- 327 ઇનિંગ્સ- એરોન ફિન્ચ
- 350 ઇનિંગ્સ- જોસ બટલર


