તંત્રના આયોજનના અભાવે વાહન ચાલકોને મુશ્કેલી
પાંચ સ્થળે કામગીરી ચાલુ હોવાથી રસ્તા બિસ્માર બની ગયા
અગ્ર ગુજરાત, બાબરા
બાબરાના ધરાઈ અને મોટા દેવળીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજનના અભાવે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ બંને ગામો વચ્ચેના માત્ર 5 કિલોમીટરના અંતરમાં આવેલા 5 જૂના અને જર્જરિત પુલ-નાળા તોડીને નવા બનાવવાનું કામ એક સાથે શરૂ કરવામાં આવ્યું છે. જે સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યું છે.
વાહન ચાલકે જણાવ્યું હતું કે તંત્રએ પાંચેય બ્રિજનું કામ એક સાથે શરૂ કર્યું છે. હાલમાં પાંચેય સ્થળે કામ ચાલુ હોવાથી સમગ્ર રસ્તો બિસ્માર બન્યો છે. બ્રિજના કામ માટે જે ડાઈવર્ઝન બનાવવામાં આવ્યા છે તે કાચા છે. અહીંથી પસાર થતા વાહનોને કારણે સતત ધૂળની ડમરીઓ ઉડે છે. જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પરેશાની વેઠવી પડે છે. કાચા રસ્તાને લીધે વાહન ચાલકોને રાત્રીના સમયે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
ધરાઈ અને મોટા દેવળીયાના ગ્રામજનો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ તમામ પાંચેય કાચા ડાઈવર્ઝન પર મેટલિંગ કામ કરે તેવી માંગણી કરી છે. અહીં ધૂળની સમસ્યા દૂર કરવા અને દુર્ઘટના અટકાવવા જરૂરી પગલાં ભરવા જરૂરી છે.


