પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બલુચ અલગતાવાદીઓએ પાકિસ્તાની સેના પર મોટો હુમલો કર્યો છે. બલોચ હુમલામાં ઓછામાં ઓછા 17 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. એક અહેવાલ મુજબ, શુક્રવારે મોડી રાત્રે બલુચિસ્તાનના કલાત જિલ્લાના મંગોચર વિસ્તારમાં ફ્રન્ટિયર કોર્પ્સ કેમ્પ પર એક સશસ્ત્ર અલગતાવાદી જૂથે ભીષણ હુમલો કર્યો હતો. બલૂચ અલગતાવાદીઓએ આખી રાત પાકિસ્તાની સેના પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો. આ ઉપરાંત ઉગ્રવાદીઓએ ક્વેટા-કરાચી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કબજો જમાવી લીધો છે અને ત્યાં પાકિસ્તાની સેનાના વાહનોને નિશાન બનાવ્યા છે.
બળવાખોરોના હુમલામાં 17 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા
બલુચિસ્તાનના કલાતમાં શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલા અલગતાવાદીઓના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે, રિપોર્ટ મુજબ મોટાભાગના લોકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન પર થયેલા હુમલામાં માર્યા ગયા હતા. આ વાહન પાકિસ્તાની સેનાનું હોવાનું કહેવાય છે. બલૂચ અલગતાવાદીઓએ અલગ અલગ સ્થળોએ હુમલા કર્યા છે અને આખી રાત ગોળીબાર ચાલુ રાખ્યો છે. રિપોર્ટમાં સ્વતંત્ર સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કલાત જિલ્લામાં થયેલા ગોળીબારમાં પાકિસ્તાની સેનાની સાથે બે ઉગ્રવાદીઓ પણ માર્યા ગયા છે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.
કલાતમાં સહાયક કમિશનરના નિવાસસ્થાન પર પણ હુમલો
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હવે ગોળીબાર બંધ થઈ ગયો છે. બલોચ ઇન્ટરનેશનલે અહેવાલ આપ્યો છે કે ખાલિક અબાદમાં બસો પર ગોળીબારની સાથે, કલાતમાં સહાયક કમિશનરના નિવાસસ્થાન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.દરમિયાન, પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ખૈબર પખ્તુનખ્વામાં પાંચ અલગ-અલગ કાર્યવાહીમાં 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાની સેના ફરી એકવાર ઉગ્રવાદી હુમલાઓનો સામનો કરી રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી પછી, ઉગ્રવાદીઓએ બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના વિસ્તારોમાં પાકિસ્તાની સેના સામે પોતાના હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા છે.


