પાકિસ્તાન પર ભારતે કરેલા હવાઈ હુમલા બાદ હવે બલૂચ બળવાખોરોએ પણ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે. બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની સેનાના જવાનોને લઈને જઈ રહેલી એક ગાડીને ઉડાવી દીધી છે. BLAએ દાવો કર્યો છે કે આ હુમલામાં 7થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. આ હુમલામાં BLAના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ દ્વારા બોલાનના માચના શોરકંદ વિસ્તારમાં લશ્કરી કાફલાના વાહનને નિશાન બનાવવા માટે રિમોટ-કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં વાહનની અંદર રહેલા તમામ સૈનિકો મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્પેશિયલ ઓપરેશન કમાન્ડર તારિક ઈમરાન અને સુબેદાર ઉમર ફારૂકનો સમાવેશ થાય છે. ત્યારે વિસ્ફોટના કારણે વાહન સંપૂર્ણપણે બળીને નાશ થઈ ગયું છે.
અગાઉ પણ પાકિસ્તાની સેના પર થયો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ BLAએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. આ હુમલો કેચ જિલ્લાના કિલાગ વિસ્તારમાં થયો હતો, જ્યાં પાકિસ્તાની સેનાની એક ટીમને નિશાન બનાવવામાં આવી હતી. બલુચિસ્તાન અંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું હતું કે બલુચિસ્તાન એક જંગલી ઘોડા જેવું છે, જેના પર હવે પાકિસ્તાનનું કોઈ નિયંત્રણ નથી અને તે રાત્રે વધુ જંગલી બની જાય છે.
પાકિસ્તાનના લાહોરમાં થયો બ્લાસ્ટ
બીજી તરફ ગુરુવારે વહેલી સવારે લાહોરના વોલ્ટન રોડ પર મોટા વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. વોલ્ટર એરપોર્ટ નજીક લાહોરના ગોપાલ નગર અને નસીરાબાદ વિસ્તારોમાં સિરિયલ વિસ્ફોટો સંભળાયા છે. સાયરન વાગ્યા પછી, લોકો ડરીને પોતાના ઘરની બહાર નીકળી ગયા અને આસપાસના વિસ્તારોમાં બ્લાસ્ટ બાદ ધુમાડાના ગોટેગોટા પણ ઉંચા ઉડતા જોવા મળ્યા છે. પોલીસના સૂત્રોનું કહેવું છે કે વોલ્ટન એરપોર્ટ નજીક ડ્રોન બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ ડ્રોનને કારણે થયો હોઈ શકે છે. જામિંગ સિસ્ટમના કારણે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે લાહોરના અક્સરી 5 રોડ પાસે પણ બે મોટા વિસ્ફોટો સંભળાયા હતા. અહીં નેવલ કોલેજમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે.


