પાકિસ્તાની સેનાની આક્રમકતાનો બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ જડબાતોડ જવાબ આપ્યો છે. બલૂચ વિદ્રોહીઓએ વધુ 50 બંધકોને મારી નાખ્યા છે. આ પહેલા પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ વિદ્રોહીઓએ ટ્રેનને હાઇજેક કરી હતી. પાકિસ્તાની સેનાનું કહેવું છે કે તેણે 190 મુસાફરોને બચાવતા 30 આતંકીઓને ઠાર કર્યા છે. બલૂચ વિદ્રોહીઓએ મંગળવારે ટ્રેન હાઇજેક કરી હતી.
બંને તરફ અથડામણ ચાલુ
અધિકારીઓનું કહેવું છે કે બુધવારે સતત બીજા દિવસે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ રહી હતી. 9 કોચમાં લગભગ 500 મુસાફરોને લઈને જફર એક્સપ્રેસ ટ્રેન ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે બલૂચ વિદ્રોહીઓએ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ટ્રેનને પાટા પરથી ઉતારી દીધી હતી અને તેને કબજે કરી હતી. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી હતી.
બચાવ અભિયાન ચાલુ રહેશે
સેના અને ‘ફ્રન્ટિયર કોર્પ્સ’ સહિતના સુરક્ષા દળો ક્વેટાથી 160 કિમી દૂર એક સુરંગમાં ગુડલર અને પીરુ કુનરીના પહાડી વિસ્તારો નજીક ટ્રેનને હાઇજેક કરનારા આતંકવાદીઓનો સામનો કરી રહ્યા છે. બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે કહ્યું કે જ્યાં સુધી તમામ મુસાફરોને બચાવી લેવામાં નહીં આવે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. રિંદે કહ્યું કે બંધકની સ્થિતિને કારણે સુરક્ષા દળો વધારાની સાવચેતી રાખી રહ્યા છે.
BLAએ ચેતવણી આપી
BLA એ ચેતવણી પણ આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ ઓપરેશન શરૂ કરશે તો “તમામ બંધકોને મારી નાખવામાં આવશે.” બલૂચિસ્તાનમાં છેલ્લા એક વર્ષમાં આતંકી હુમલામાં વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં, એક આત્મઘાતી બોમ્બરે ક્વેટા રેલ્વે સ્ટેશન પર પોતાની જાતને ઉડાવી દીધી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને 62 લોકો ઘાયલ થયા હતા. આ પછી રેલવેએ ઘણી સેવાઓ સ્થગિત કરી દીધી હતી.


