બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા ડૉ. મોહમ્મદ યુનુસ પર ચૂંટણી કરાવવાનું દબાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સેનાથી લઈને વિપક્ષ સુધી, વિદ્યાર્થી સંગઠનોથી લઈને સામાન્ય જનતા સુધી, દરેક વ્યક્તિ ચૂંટણીની માંગ કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે યુનુસ પોતે મૂંઝવણમાં ફસાયા છે. મૂંઝવણ એ છે કે જો તેઓ રાજીનામું આપે છે, તો તેમને કાયર કહેવાનો ભય છે અને જો તેઓ સત્તા પર રહે છે તો વ્યાપક બળવો થવાનો ભય છે.
બાંગ્લાદેશ ફરી એકવાર રાજકીય ઉથલપાથલ
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના મનમાં રાજીનામું હવે માત્ર એક શક્યતા નથી. પરંતુ એક ગંભીર વિકલ્પ બની ગયો છે. તાજેતરમાં યોજાયેલી સલાહકાર પરિષદની બેઠકમાં, તેમણે પોતે જ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ હવે વધુ સહન કરી શકે નહીં. પણ પ્રશ્ન એ છે કે શું યુનુસ આ સમયે ખુરશી છોડી શકે છે? જો તે રાજીનામું આપે તો તેને કાયર ગણાવી શકાય. અને જો તેઓ ત્યાં જ રહેશે, તો ચારે બાજુથી બળવાની જ્વાળાઓ તેમને ઘેરી લેશે. બાંગ્લાદેશના રાજકારણના આ સૌથી મહત્વપૂર્ણ તબક્કે, યુનુસનો દરેક નિર્ણય ફક્ત તેમની છબી જ નહીં પરંતુ દેશની દિશા પણ નક્કી કરશે.
રાજકીય સંકટમાં સેનાની મહત્ત્વની ભૂમિકા
આ સમગ્ર રાજકીય સંકટમાં સેના સૌથી નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. આર્મી ચીફ વકર-ઉઝ-ઝમાને સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈપણ કિંમતે ડિસેમ્બર સુધીમાં ચૂંટણીઓ યોજવી જ જોઈએ. તેમનું માનવું છે કે હવે ફક્ત ચૂંટાયેલી સરકાર જ દેશને સ્થિરતા પ્રદાન કરી શકે છે. કોઈ બિન-ચૂંટાયેલી સિસ્ટમ નહીં. આ સીધો સંકેત છે કે જો ચૂંટણી મુલતવી રાખવામાં આવે તો સેના ચૂપ નહીં રહે. યુનુસ માટે, આ ચેતવણી ઓછી અને અલ્ટીમેટમ વધુ છે. રસ્તાઓ પર પણ વિરોધ પ્રદર્શન ચાલુ છે. શરૂઆતમાં યુનુસના સૌથી મોટા સમર્થક રહેલા વિદ્યાર્થી સંગઠનો હવે તેમની સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે જ્યાં સુધી શેખ હસીનાના શાસનના કથિત અતિરેકોની તપાસ અને સજા નહીં થાય અને ચૂંટણી સુધારા લાગુ ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ સામાન્ય ચૂંટણીને માન્યતા આપશે નહીં.
વિપક્ષે પણ ઉચ્ચારી ચિમકી
ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી બીએનપી અને કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામીએ રસ્તા પર ઉતરવાની તૈયારી કરી લીધી છે. છેલ્લા અઠવાડિયામાં બંને વચ્ચે ચાર બેઠકો થઈ છે અને રણનીતિ સ્પષ્ટ છે કાં તો યુનુસ સરકાર ચૂંટણી માટે સ્પષ્ટ સમયરેખા આપે અથવા આંદોલન થશે. બીએનપીના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામે તો ત્યાં સુધી કહ્યું કે રોડમેપ વિના આ સરકારને સમર્થન હવે શક્ય નથી. સત્તા માટેના સંઘર્ષમાં, યુનુસ બીજો રસ્તો શોધી રહ્યા છે બધા પક્ષો સાથે વાત કરીને નવી રાષ્ટ્રીય સરકાર બનાવવાનો.