- 2023માં ટેક સિટી બેંગ્લુરુ છઠ્ઠા અને પૂણે સાતમા સ્થાને
- બેંગ્લુરુના લોકોના એક વર્ષમાં 132 કલાક ટ્રાફિકમાં બરબાદ થયા
- વર્ષ 2023માં બેંગ્લુરુમાં સરેરાશ 10 કિ.મી.નું અંતર કાપતા 29 મિનિટ લાગતી હતી
ભારતનું ટેક હબ અને સ્ટાર્ટઅપના પાટનગર કહેવાતું બેંગ્લુરુ શહેર વિશ્વના સૌથી ભીડભાડ ધરાવતા શહેરોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. ડચ લોકોશન ટેક્નોલોજીના તજજ્ઞ ટોમ ટોમે વર્ષ 2023ની સ્થિતિ આધારે આ અહેવાલ તૈયાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં બેંગલુરુ શહેર વિશ્વના સૌથી ભીડભાડ ધરાવતા શહેરોની યાદીમાં બીજા સ્થાને હતું. ગયા વર્ષે બેંગ્લુરુમાં સરેરાશ 10 કિ.મી.નું અંતર કાપતા 29 મિનિટ લાગતી હતી. હાલમાં બેંગ્લુરુમાં આટલું અંતર કાપતાં 28 મિનિટ અને 10 સેકન્ડ લાગે છે.
બેંગ્લુરુમાં વર્ષ 2023માં વધુ ભીડભાડ ધરાવતા સમયમાં વાહનોની સરેરાશ ગતિ પ્રતિકલાક 18 કિ.મી. રહેતી હતી. તેવામાં બેંગ્લુરુના લોકોને એક વર્ષમાં અંદાજે 132 કલાક ટ્રાફિકમાં બરબાદ કરવા પડયા હતા. વર્ષ 2023માં લંડન વિશ્વમાં સૌથી વધુ ભીડાભાડ ધરાવતું શહેર બની રહ્યું હતું. ગયા વષે 27 સપ્ટેમ્બરના રોજ બેંગ્લુરુમાં સૌથી વધુ ટ્રાફિકજામની સ્થિતિ બની રહી હતી. તે દિવસે બેંગ્લુરુમાં 10 કિ.મીનું અંતર કાપતાં સરેરાશ 32 મિનિટનો સમય લાગ્યો હતો.
ટોમ ટોમ દ્વારા તૈયાર થયેલી યાદીમાં વિશ્વમાં સૌથી વધુ ભીડભાડ ધરાવતા શહેરોમાં ભારતનું પૂણે શહેર 7મું સ્થાન ધરાવે છે. પૂણેમાં 10 કિ.મી.નું અંતર કાપવામાં સરેરાશ 27 મિનિટ 50 સેકન્ડનો સમય લાગે છે, જે વાહનોની સરેરાશ ગતિ પ્રતિકલાક દર્શાવે છે.
દિલ્હી 44મા સ્થાને
સૌથી વધુ ભીડભાડ ધરાવતા શહેરોની યાદીમાં રાજધાની દિલ્હી 44મા સ્થાને છે. ભીડભાડ ધરાવતા સમયગાળામાં અહીં સરેરાશ ગતિ પ્રતિકલાક 24 કિ.મી. રહે છે. યાદીમાં દેશનું આર્થિક પાટનગર મુંબઇ 54મા સ્થાને છે.
અહેવાલ મુજબ વર્ષ 2023માં લંડન વિશ્વનું સૌથી વધુ ભીડભાડ ધરાવતું શહેર બની રહ્યું હતું. લંડનમાં તે વર્ષમાં સરેરાશ સ્પીડ પ્રતિકલાક 14 કલાક રહી. વિશ્વના પાંચ ટોચના ભીડભાડ ધરાવતા શહેરોમાં લંડન ઉપરાંત આયર્લેન્ડના ડબલિન (16 કિ.મી. પ્રતિ કલાક), કેનેડાના ટોરેન્ટો (18 કિ.મી. પ્રતિ કલાક), ઇટાલીના મિલાન (17 કિ.મી. પ્રતિ કલાક) અને પેરુના લિમા (17 કિ.મી. પ્રતિકલાક)નો સમાવેશ થાય છે. બુખારેસ્ટ,મનિલા અને અનુક્રમે 8,9 અને 10મા ક્રમે રહ્યા છે.


