બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ થતી રહી છે. પહેલા હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા અને હવે ઈસાઈઓ પર હુમલા કરાઈ રહ્યા છે. ક્રિસમસની રાત્રે કેટલાક અજાણ્યા તોફાની તત્ત્વો દ્વારા ત્રિપુરા સમુદાયનાં 17 ઘરને આગ ચાંપવામાં આવી હતી અને મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા.
આ ઘટના બંદરબન જિલ્લામાં થઈ હતી. કેટલાક ઈસાઈઓ તેમનાં ગામમાં ચર્ચ ન હોવાથી બીજે ગામ ક્રિસમસ મનાવવા ગયા ત્યારે તેમનાં ઘર ફૂંકી મારવામાં આવ્યા હતા. ત્રિપુરા સમુદાયનાં 19માંથી 17 ઘર આગમાં ખાખ થઈ ગયા છે. એક પીડિત ઈસાઈ ગંગમની ત્રિપુરાએ કહ્યું હતું કે, ક્રિસમસ અમારા માટે આનંદનો દિવસ હતો પણ ક્રિસમસના દિવસે અમે ઘરવિહોણા થઈ જઈશું તેવી કલ્પના ન હતી. અમે દોષિતોને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માગણી કરીએ છીએ.
કુંડઝિરીમાં ત્રિપુરા સમુદાયને હાંકી કાઢીને વૃક્ષોનું વાવેતર
કુંડઝિરી વિસ્તારમાં ત્રિપુરા સમુદાયના હજારો લોકો પેઢીઓથી વસવાટ કરે છે. કેટલાક વર્ષો પહેલા તેમને બળજબરીથી અહીંથી બીજા સ્થળે હાંકી કાઢવામાં આવ્યા હતા. આ વિસ્તાર એક પોલીસ અધિકારીની પત્નીને ભાડે આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.આ મહિલા અવામી લીગનાં શાસન વચ્ચે IGP હતી. લોકોને અહીંથી હટાવ્યા પછી ત્યાં વૃક્ષોનું વાવેતર કરાયું હતું. નવા ટોંગઝીરીનાં પ્રમુખ પૈસાપ્રુ ત્રિપુરાએ કહ્યું હતું કે, તેમનો સમુદાય 3-4 પેઢીથી અહીં રહેતો હતો. પાંચ વર્ષ પહેલાં એક સમુદાયે પોતાને SP ગ્રૂપ તરીકે ઓળખ આપીને અહીંથી તેમને ભગાડયા હતા. આવામી લીગની સરકારનાં પતન પછી ત્રિપુરા સમુદાયના કેટલાક લોકો ફરી અહીં વસવાટ કરવા આવ્યા હતા. તેઓ નવા ઘર બનાવીને અહીં રહેતા હતા.