- બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હજી પણ પોલીસ નથી બાળકો સંભાળી રહ્યા છે વ્યવસ્થા
- વચગાળાની સરકાર છતાં હિંસા, હત્યા અને સ્થિતિ યથાવત્
- ઢાકામાં ભારે વિરોધ પ્રદર્શન પછી સુપ્રીમના ચીફ જસ્ટિસને રાજીનામું આપવાની નોબત આવી
પાડોશી દેશ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાઈ ગઈ હોવા છતાં હજી પણ હિંસા, વિરોધ પ્રદર્શનો સતત યથાવત્ છે. હિંસક પ્રદર્શન બાદ ત્યાંના ચીફ જસ્ટિસને રાજીનામું આપવાની નોબત આવી હતી. રાજધાની ઢાકામાં આવેલી બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના સંકુલમાં વિરોધ પ્રદર્શનને લીધે આખરે સૈન્ય ખડકવું પડયું છે.
બાંગ્લાદેશમાં સ્કૂલ-કૉલેજના બાળકો ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા છે
બાંગ્લાદેશમાં સરકારના પતન પછી અસામાજિક તત્વોએ ઘણા સ્થળો પર હિંદુઓને ટાર્ગેટ બનાવ્યા છે. પૂર્વ પીએમ શેખ હસીનાના રાજીનામાના પાંચ દિવસ પછી પણ દેશના ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી ચુકી છે અને આખા બાંગ્લાદેશમાં અરાજકતાનો માહોલ છે. રિપોર્ટ પ્રમાણે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ક્યાંય પોલીસ જોવા મળતી નથી. હાલ ઢાકાની સુરક્ષા વ્યવસ્થાની કમાન સૈન્યએ સંભાળેલી છે. સ્કૂલ-કૉલેજના બાળકો હાથમાં ડંડા લઈને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
બાંગ્લાદેશની હાલત માટે ISI જવાબદાર છે- સાજીબ વાજિદ
પૂર્વ પીએમ શેખ હસીનાના પુત્ર સાજીબ વાજિદે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન માટે આઈએસઆઈને જવાબદાર ગણાવી હતી. મળતી માહિતી અનુસાર, તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં સરકાર વિરુદ્ધ આવા વિરોધ પ્રદર્શનનું કોઈ કારણ નથી, સરકારે અનામતમાં ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું કે વિદેશી ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ બાંગ્લાદેશમાં આવી સ્થિતિ સર્જી છે.
આપણા યુવાનોએ આખી દુનિયાને ચોંકાવી દીધી
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું કે અમારા વિદ્યાર્થીઓ અને યુવાનોએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. તેમણે તેમની તાજેતરની સિદ્ધિઓને દેશની બીજી જીત ગણાવી અને આ જીત હારી ન જાય તેની ખાતરી કરવા વિનંતી કરી, તેમણે જૂની પેઢીને આહ્વાન કર્યું કે તેઓ એક બાજુએ આવે અને યુવાનો માટે માર્ગ બનાવે.


