- અનામત પ્રથાને લઈ બાંગ્લાદેશમાં ઘણા દિવસોથી હિંસક વિરોધ પ્રદર્શન
- હિંસક અથડામણને લઈ આખા બાંગ્લાદેશમાં કર્ફ્યૂનો અમલ
- ભારતીયો ફસાયા હોવાથી વિદેશ મંત્રાલય સતત સંબંધિત વિભાગ સાથે સંપર્કમાં
બાંગ્લાદેશમાં અનામતની માંગને લઈને શરૂ થયેલી હિંસા વચ્ચે 25 હજારથી વધુ ભારતીયોને ફસાયા હોવાની આશંકા છે. આ અંગે વિદેશ મંત્રાલયે પીડિત પરિવાર અને સંબંધીઓને ખાતરી આપી છે કે ભારત સરકાર બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોના સતત સંપર્કમાં છે. મંત્રાલય અને હાઈ કમિશન સતત દેખરેખ રાખી રહ્યા છે. ત્યાંનું હાઈ કમિશન સતત અમારા સંપર્કમાં છે.
આમ તો જોવા જઈએ તો આશરે 8500 ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં રહે છે અને 15 હજારથી વધુ ભારતીયો ત્યાં રહે છે. આરક્ષણને લઈને પડોશી દેશમાં શરૂ થયેલી હિંસા પછી ભારતમાં રહેતા તેમના પરિવાર અને સંબંધીઓ ખૂબ જ ચિંતિત છે. બાંગ્લાદેશના સ્વતંત્રતા સેનાનીઓના પુત્ર અને પુત્રીઓને નોકરીમાં અનામત આપવાના વડાપ્રધાન શેખ હસીના સરકારના નિર્ણય પછી દેશમાં અનામત વિરોધી વિરોધ શરૂ થયો હતો. હજારો યુવાનો અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને અનામતનો વિરોધ કરવા લાગ્યા. થોડી જ વારમાં આ વિરોધ હિંસક બની ગયો અને નિયંત્રણ બહાર ગયો. દેશમાં હિંસામાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું- ચિંતા કરવાની જરૂર નથી, અમે સતત સંપર્કમાં છીએ
શનિવારે બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આપણા દેશના વિદ્યાર્થીઓ અને હજારો ભારતીય નાગરિકો ત્યાં રહે છે. અમે અમારા દેશના લોકોને હાઈ કમિશન સાથે સંપર્કમાં રહેવા અને તેમને જરૂરી સહાય પૂરી પાડવા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રી પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
મંત્રાલયના નિર્દેશો પર હાઈ કમિશન ત્યાંની સ્થિતિ અંગે નિયમિત અપડેટ આપી રહ્યું છે. અમે નિયમિત અપડેટ્સ આપવાનું ચાલુ રાખીશું અને બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકોના પરિવારના તમામ સભ્યોને સંપર્કમાં રહેવા વિનંતી કરીશું. અમે અમારા નાગરિકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે અમારા તમામ નાગરિકો સુરક્ષિત છે.


