બાંગ્લાદેશના ઓલરાઉન્ડર નાસિર હુસૈન બે વર્ષના પ્રતિબંધ બાદ ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો છે, ત્યારબાદ તે ઢાકા પ્રીમિયર ડિવિઝન લીગ મેચમાં રૂપગંજ ટાઈગર્સ ક્રિકેટ ક્લબ તરફથી રમતો જોવા મળશે.
33 વર્ષીય હુસૈનને આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ભંગ બદલ 6 મહિનાના સસ્પેન્શન સાથે સપ્ટેમ્બર 2023 સુધી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. હુસૈને 2011 થી 2018 દરમિયાન તમામ ફોર્મેટમાં 115 આંતરરાષ્ટ્રીય મેચોમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે તેના માટે 7 એપ્રિલ 2025થી સત્તાવાર ક્રિકેટ રમવાનો માર્ગ ખુલી ગયો છે. બોર્ડે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ‘પ્રતિબંધની શરતો મુજબ નાસિર હુસૈને હવે અનિવાર્ય ભ્રષ્ટાચાર વિરોધી શિક્ષા સેશન પૂર્ણ કરવા સહિતની તમામ આવશ્યકતાઓ પૂર્ણ કરી છે.’
સપ્ટેમ્બર 2023માં હુસૈન પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ
ICC મુજબ, હુસૈનને સપ્ટેમ્બર 2023 સુધી બે વર્ષ માટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, જેમાંથી છ મહિના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેને 2020-21 અબુ ધાબી T10 લીગ દરમિયાન અમીરાત ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાનો ભંગ કરવાના ત્રણ આરોપો સ્વીકાર્યા હતા.
હુસૈને ત્રણેય ફોર્મેટમાં કર્યું બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ
હુસૈને 2011 થી 2018 દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું. આ સમયગાળા દરમિયાન, આ સ્ટાર ઓલરાઉન્ડરે 19 ટેસ્ટ, 65 વનડે અને 31 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. તેને ફર્સ્ટ-ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટ બંનેમાં 6,000 થી વધુ રન બનાવ્યા છે. હુસૈનના નામે બંને ફોર્મેટમાં 17 સદી છે. બે વર્ષના વિરામ પછી સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેમનું કમબેક તેના કરિયરમાં એક મુખ્ય ઉપલબ્ધિ છે.


