- બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ નવી સરકારે સત્તા સંભાળી
- નવી સરકારમાં બાંગ્લાદેશમાં પ્રથમ હિંદુ તહેવાર જન્માષ્ટમી દરમિયાન સુરક્ષા સઘન કરાશે
- હિંદુઓ વિરુદ્ધ હિંસાનો વિશ્વભરમાં વિરોધ
પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી લઘુમતીઓ વિરોધ હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો છે. શેખ હસીના સરકાર પડી જતા બાંગ્લાદેશમાં ઘણા વિસ્તારોમાં લઘુમતીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. હિંદુઓના ઘર, મંદિરો, દુકાનો, વ્યવસાયિક કેન્દ્રોને મોટાપાયે નુકસાન પહોંચાડયું છે. આ દરમિયાન નવી વચગાળાની સરકારે બીજા દિવસે જ લધુમતીઓની સુરક્ષાને લઈ પોતાની કટિબદ્ધતા દર્શાવી છે. ગૃહ મામલાના બ્રિગેડિયર જનરલ સખાવતચે હવે આવનારા હિંદુ તહેવારોને લઈ સુરક્ષાનો ભારે બંદોબસ્ત કરવાના નિર્દેશ આપ્યા છે.
બાંગ્લાદેશની નવી સરકારના ગૃહ મામલાના સલાહકાર અધિકારીએ જણાવ્યું કે, હિંદુ સમુદાયને આગામી જન્માષ્ટમી સમારોહમાં તમામ જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ સિવાય દુર્ગા પૂજાના અવસરે ત્રણ દિવસની રજા આપવાની વાત પણ કહી છે. હિંદુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ અવસસ પર ઉજવણી કરવાન પર્વ એટલે જન્માષ્ટમી 26 ઓગસ્ટે મનાવાશે. નવી સરકારમાં આ પ્રથમ હિંદુ તહેવાર છે. આ દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સરકારે અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હિંદુઓ વિરુદ્ધ હિંસાનો વિશ્વભરમાં વિરોધ
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા મુદ્દે સમગ્ર દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે. ભારત સહિત ઘણા દેશોના નેતાઓએ લઘુમતીઓની સુરક્ષાને લઈ યુનુસ સરકારને ચેતવણી આપી છે. વિરોધ વધતો જોઈ વચગાળાના સરકાર હરકતમાં આવી ગઈ છે. મોહમ્મદ યુનુસે ધાર્મિક લઘુમતીઓ પર હુમલા પર ચર્ચા કરવા માટે સોમવારે હિંદુ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં મોહમ્મદ યુનુસ હિંદુ સમુદાયની સુરક્ષાના મુદ્દે ફરિયાદોને સાંભળશે. દેશની વચગાળાની સરકારે એક સત્તાવાર આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ હિંદુઓ અને બીજા ધાર્મિક લધુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ઉઠાવશે.
બાંગ્લાદેશમાં હિંદુઓની શું સ્થિતિ છે?
પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં હિંદુ ધર્મ બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે. દેશમાં હિંદુઓની વસ્તી આશરે 10 ટકા છે. ગત અઠવાડિયે શેખ હસીનાની સરકારના પતન પછી હિંસકી ટોળાએ અવીમી લીગના નેતાઓ અને લઘુમતી સમુદાયને ટાર્ગેટ બનાવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઘણા શહેરોમાં હિંદુઓના ઘર, મંદિરો અને દુકાનોમાં તોડફોડ, લૂંટફાટ અને આગચંપી કરવામાં આવી હતી. આ હિંમસા વિરુદ્ધ બાંગ્લાદેશના હિંદુઓએ પણ દેશના માર્ગો પર દેખાવો કર્યા હતા અને પોતાની સુરક્ષાની નવી સરકાર પાસે માંગ કરી હતી.


