- 24 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા
- હિંસાના કારણે લોકો હોટલમાં રોકાયા હતા
- સેનાએ સુરક્ષાની કમાન સંભાળી
બાંગ્લાદેશમાં રવિવારે ફરી શરૂ થયેલી હિંસા આજે પણ ચાલુ રહી હતી. બાંગ્લાદેશમાં એક ઇન્ડોનેશિયન નાગરિક સહિત ઓછામાં ઓછા 24 લોકોને ટોળાએ જીવતા સળગાવી દીધા હતા. બાંગ્લાદેશમાં હિંસા થઈ ત્યારથી લોકો અવામી લીગ પાર્ટીના એક નેતાની હોટલમાં રોકાયા હતા.
રોષે ભરાયેલા લોકોએ હોટલને આગ ચાંપી
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાર્ટીના નેતા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. સ્થાનિક પત્રકારો અને હોસ્પિટલના સૂત્રોએ મંગળવારે માહિતી આપી હતી કે સોમવારે સવારે લગભગ 1 વાગ્યા પછી અજાણ્યા લોકોએ આવીને હોટલને આગ ચાંપી દીધી હતી, જેમાં 24 લોકોના મોત થયા હતા.
હોટલમાં 24 લોકોને જીવતા સળગાવ્યા
બાંગ્લાદેશમાં મૃતકોમાં એક ઈન્ડોનેશિયાનો નાગરિક પણ સામેલ છે. તેમણે કહ્યું કે જોશોર જનરલ હોસ્પિટલના ડોકટરોએ પુષ્ટિ કરી છે કે તેઓએ 24 મૃતદેહો ગણ્યા છે, જ્યારે બચી ગયેલા હોટલ સ્ટાફને ભય હતો કે કાટમાળ નીચે વધુ મૃતદેહો હોઈ શકે છે.
બાંગ્લાદેશમાં હિંસા અટકી નથી
અવામી લીગ સરકારનો વિરોધ કરતા ગુસ્સે ભરાયેલા ટોળાએ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લગાવી દીધી અને તે જલ્દી જ ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. બાંગ્લાદેશમાંથી અહેવાલ સામે આવ્યા છે જ્યાં ગુસ્સે ટોળાએ વારાફરતી અવામી લીગના ઘણા નેતાઓ અને કાર્યકરોના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાઓમાં તોડફોડ કરી હતી.
બાંગ્લાદેશમાં સેનાએ સુરક્ષાની કમાન સંભાળી
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને બાંગ્લાદેશ સંસદ ભંગ કરી દીધી હતી. બાંગ્લાદેશમાં રવિવારે થયેલા ભારે વિરોધ બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. શેખ હસીનાના રાજીનામા બાદ સેનાએ સુરક્ષાની કમાન સંભાળી હતી.


