- બાંગ્લાદેશના નરસિંગડી જિલ્લા જેલને ટોળાએ આગને હવાલે કરી દીધી
- હિંસા, મોતને જોતા આખા બાંગ્લાદેશમાં કર્ફયૂ લાદી દેવાયો
- બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શન કરતા ટોળાએ જેલમાંથી સેંકડો કેદીઓને છોડી મૂક્યા
પાડોશી દેશ બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત પ્રથા વિરુદ્ધ શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે વિકરાળ બનતું જઈ રહ્યું છે. તમામ બાજુએ હિંસા, આગચંપી અને તોડફોડને લઈ પીએમ શેખ હસીનાએ આખા દેશમાં સંચાર બંધી લાદવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત બે દિવસથી મોબાઈલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાયો છે. હિંસક પ્રદર્શન કરતા ટોળાએ બાંગ્લાદેશના નરસિંગડી જિલ્લા જેલમાંથી બધા કેદીઓને બહાર કાઢી જેલને આગને હવાલે કરી દીધા હતી.
જેલમાં સજા કાપી રહેલા સેંકડો કેદીઓને છોડી દીધા હતા. ટોળાએ આખા કેમ્પસમાં આગચંપી કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત ગત રોજ ટોળાએ બાંગ્લાદેશની સરકારી ટીવી ચેનલમાં તોડફોડ કરી આગચંપી કરી હતી.
મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 64 લોકોનાં મોતને ભેટયા છે. આ હિંસામાં 2500થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ગુરુવારના દિવસે બાંગ્લાદેશમાં સૌથી વધુ મોત થયા હતા. 18 જુલાઈ એટલે કે શુક્રવારે 30થી વધુ લોકો હિંસામાં સપડાઈ જઈને જીવ ગુમાવ્યા હતા.
સેંકડો કેદીઓ જેલથી પલાયન, જેલમાં આગચંપી
વિરોધ પ્રદર્શન કરતા ટોળાએ નરસિંગડી જેલને ટાર્ગેટ કર્યું હતું. જેલનો ઘેરાવો કરીને જેલમાં ટોળું ઘુસી ગયું હતું. વિરોધ પ્રદર્શનકારીઓએ કેદીઓને છોડાવીને આખા જેલ પરિસરને આગને સોંપી દીધું હતું. જેલ પાસે રહેતા એક વ્યકિતએ જણાવ્યું કે તેને ઘણા લોકોને બેગ અને પોતાનો સામાન લઈ જેલબહાર જતા જોયા છે.
બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનનું કારણ શું છે?
બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીના સરકારે સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવારોને નોકરીમાં અનામત આપવાની જાહેરાત કરી છે. દેશમાં સેનાનીઓને અનામત આપવાના વિરોધમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ માર્ગો પર ઉતરી પડી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન અત્યંત હિંસાત્મક થઈ ગયું છે. આ ઉપરાંત તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવી રહી છે. સમગ્ર બાંગ્લાદેશ હિંસામાં ધકેલાઈ ચુક્યું છે.


