ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વીઝા સેવાઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશના ચટગાંવ સ્થિત ઈન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર (IVAC)માં ભારતીય વિઝા સેવાઓને 21 ડિસેમ્બર 2025થી આગામી આદેશ સુધી અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવી છે.
સેવાઓ ફરી ક્યારે શરૂ થશે?
તાજેત્તરમાં જ ચટગાંવમાં ભારતીય સહાયક ઉચ્ચ આયોગની બહાર ભીડ એકઠી થઈ અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને હિંસાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટના બાદ વિઝા સેવાઓ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સ્થિતિની સમીક્ષા બાદ જ સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ નિર્ણય ચટગાંવમાં સ્થિત ભારતીય સહાયક ઉચ્ચ આયોગમાં તાજેત્તરમાં જ થયેલી સુરક્ષા ઘટના બાદ સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યો છે.
એજન્સીઓ તપાસ કરી રહી છે
હાલની સ્થિતિને જોતા વિઝા સેવાઓને અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ ભારતીય વિઝા સેવાઓ હવે ત્યાં સુધી ફરી શરૂ કરવામાં નહીં આવે, જ્યાં સુધી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા ના થાય, હાલમાં સંબંધિત એજન્સીઓ ઘટનાક્રમની તપાસ કરી રહી છે અને સુરક્ષા વ્યવસ્થાનું આંકલન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ સસ્પેન્શન કામચલાઉ છે અને સુરક્ષાની સ્થિતિ સામાન્ય થયા બાદ વિઝા સેવાઓને ફરીથી શરૂ કરવામાં આવશે.
આ લોકોને પડી રહી છે મુશ્કેલી
જો કે હાલમાં એ સ્પષ્ટ નથી કે સેવાઓ ક્યા સુધીમાં ફરી શરૂ થશે. ચટગાંવમાં IVAC બંધ થવાથી ભારતીય વિઝા માટે આવેદન કરનારા લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારત-બાંગ્લાદેશની વચ્ચે મુસાફરી, સારવાર, અભ્યાસ અને વ્યવસાય સાથે જોડાયેલા મોટી સંખ્યામાં લોકો વિઝા સેવાઓ પર નિર્ભર રહે છે.


