- અનામતની માંગને લઈ વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપવું પડયું
- બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હજારો હિંદુઓએ વિરોધ પ્રદર્શન કરી તંત્રને સુરક્ષા આપવાની માંગ કરી
- લઘુમતીઓની સુરક્ષા માટે કડક કાયદો અને 10 ટકા સીટ અનામત રાખવાની માંગ ઉઠાવી હતી
પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ જે હિંસા, આગચંપીનો જે માહોલ સર્જાયો તેને લઈ દેશ-દુનિયામાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ અંગેનો વિરોધ યુનોએ પણ કર્યો હતો. બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનના ઓઠા હેઠળ કેટલાક કટ્ટરપંથીઓએ હિંદુઓને ટાર્ગેટ બનાવ્યા. ત્યારબાદ શુક્રવારે સેંકડો બાંગ્લાદેશી હિંદુઓએ ઢાકામાં વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ એ વાત પર ભાર મૂકયો કે આ દેશ સૌનો છે. ઉપરાંત સમુદાયની સુરક્ષા માટે પગલાં લેવાની માંગ પણ કરી હતી.
બાંગ્લાદેશમાં રેલી કાઢી પ્રદર્શન કરી રહેલા હિંદુઓએ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે આ દેશ કોઈના બાપનો નથી. અમે પણ લોહી વહેવડાવ્યું છે. જરૂર પડી તો ફરીથી લોહી આપીશું. અમે બાંગ્લાદેશ નહીં છોડીએ. આ દરમિયાન બાંગ્લાદેશના સોશિયલ વર્કર પર પણ નિશાન સાધ્યું છે. જેઓએ હિંસાથી અત્યાર સુધી મૌન રહ્યા હતા. રેલીમાં સામેલ એક યુવકે કહ્યું કે હિંદુ સમુદાય પોતાના ઘર અને દુકાનોની સુરક્ષા ઈચ્છે છે. આ દરમિયાન તેમને વધુમાં કહ્યું કે એક મંત્રાલય અને લઘુમતી સુરક્ષા પંચની માંગ પણ કરી હતી. ત્યારબાદ લઘુમતીઓ વિરોધ હુમલા રોકવા માટે તેઓએ કડક કાયદો બનાવવા અને તેને લાગુ કરવા સંસદમાં લઘુમતીઓ માટે 10 ટકા બેઠકો અનામત કરવાની માંગ મૂકી હતી.
શેખ હસીના ગયા પછી હિંદુઓ પર હુમલા વધ્યા
બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી એકતા પરિષદ અનુસાર, શેખ હસીના સત્તામાંથી હટી ગયા પછી દેશમાં 64માંથી 52 જિલ્લાઓમાં લઘુમતી સમુદાયો પર હિંસાની 205 ઘટનાઓ રિપોર્ટ કરવામાં આવી છે. સંગઠને દેશના વચગાળાના નેતા મોહમ્મદ યુનુસને પત્ર લખી કહ્યું કે, દેશમાં લઘુમતીઓમાં ઊંડી આશંકા, ચિંતા અને હતાશા છે.


