- મને સત્તામાંથી હટાવવા માટે કાવતરું રચવામાં આવ્યું : શેખ હસીના
- બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન અને હિંસાના તાંડવને જોતા શેખ હસીના રાજીનામું આપ્યું હતું
- અમેરિકાએ મને સત્તા પરથી હટાવી હોવાનો શેખ હસીનાનો આરોપ
છેલ્લા એક અઠવાડિયાથી પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસાનું જે તાંડવ સર્જાયું છે તે વચગાળાની સરકાર રચાઈ છતાં હજી રોકાવાનું નામ નથી લઈ રહી. એક અઠવાડિયાથી ભારતમાં હંગામી રોકાણ કરીને બેઠેલા બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ આજે પહેલીવાર પોતાના સરકારના પતન બાદ નિવેદન આપ્યું છે. પાડોશી દેશ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ મોટો આરોપ મૂક્યો છે અને જણાવ્યું કે, મને સત્તામાંથી દૂર કરવા મોટું કાવતરું રચવામાં આવ્યું હતું. તેઓએ અમેરિકા પર તેઓને સત્તામાંથી દૂર કરવા આરોપ મૂક્યો છે.
શેખ હસીનાએ કહ્યું કે સેન્ટ માર્ટિન દ્વીપ નહીં આપવાને લીધે જ અમેરિકાએ તેને સત્તામાંથી હટાવવાની યોજના બનાવી હતી. તેઓનું કહેવું છે કે, આ દ્વીપના મળવાથી અમેરિકાને બંગાળની ખાડી પર પ્રભાવમાં મદદ મળી શકતી હતી. હસીનાએ પોતાના દેશનાં લોકોને ચેતવણી આપી અને કહ્યું કે, તમે સૌ કટ્ટરપંથીઓની વાતમાં ન આવો.
મળતી માહિતી અનુસાર, શેખ હસીનાએ પોતાના નજીકના સહયોગીઓથી મોકલેલા સંદેશમાં આ વાત કહી છે. શેખ હસીનાએ વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ પ્રદર્શન પછી પાંચમી ઓગસ્ટે પીએમ મદથી રાજીનામું આપી દેશ છોડી દીધું હતું. તેઓ હાલ ભારતમાં સુરક્ષિત સ્થાન પર રહી રહ્યા છે.
શેખ હસીનાએ સંદેશમાં શું લખ્યું
સંદેશમાં શેખ હસીનાએ જણાવ્યું કે, મેં રાજીનામું આપ્યું, જેથી મારે લાશો ન જોવી પડે. તે વિદ્યાર્થીઓ લાશો પર સત્તામાં આવવા માગતા હતા. પરંતુ મેં એવું થવા ન દીધું. મેં વડાપ્રધાન પદથી રાજીનામું આપી દીધું. તેઓએ આગળ જણાવ્યું કે, હું સત્તામાં રહી શકતી હતી, જો મેં સેન્ટ માર્ટિન દ્વીપના સાર્વભૌમત્વનો ત્યાગ કર્યો હોત અને અમેરિકાને બંગાળની ખાડી પર પોતાનું પ્રભુત્વ કાયમ કરવા દીધું હોત તો. હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે કૃપા કરી કટ્ટરપંથીઓના વાતોમાં ન આવો.


