- બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર ખતરો વધ્યો
- શેખ હસીના ભારતથી લંડન જાય તેવી શક્યતા
- વિરોધ પ્રદર્શન બાદ પાડોશી દેશની સ્થિતિ બદ્દતર બની
બાંગ્લાદેશ હાલ મોટી રાજનીતિક સંકટથી પસાર થઈ રહ્યું છે. હિંસા અને વિરોધ પ્રદર્શન બાદ પીએમ શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું ધર્યું છે. બાદમાં તેઓ ભારમાં શરણ શોધવા આવ્યાં છે. તેઓ કદાચ લંડન જતા રહેશે એવું લાગે છે. આ બાજું બાંગ્લાદેશમાં પ્રદર્શન અને હિંસા પછી હિંદુ સમાજ અને ધાર્મિક સ્થળો પર ખતરો વધ્યો છે.
ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રમાં તોડફોડ
મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સોમવારે એક ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રમાં તોડફોડ કરવામાં આવી હતી અને ચાર હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, આ નુકસાન નજીવું હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓ અને સમુદાયના આગેવાનોએ આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થિતિ નિયંત્રણ બહાર છે. વિરોધ પ્રદર્શન કરતા ટોળાએ વડાપ્રધાનના નિવાસસ્થાને લૂંટ ચલાવી છે.
હિન્દુ સમુદાયના આગેવાનો ચિંતિત
હિન્દુ સમુદાયના કેટલાક નેતાઓ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ સર્જાયેલી તંગ પરિસ્થિતિથી ચિંતિત છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશની રાજધાનીના ધનમંડી વિસ્તારમાં સ્થિત ઈન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટર અને બંગબંધુ મેમોરિયલ મ્યુઝિયમને સોમવારે બેકાબૂ ટોળાએ નુકસાન પહોંચાડ્યું હતું. બાંગ્લાદેશમાં ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન માર્ચ-2010માં થયું હતું. તે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સનું સાંસ્કૃતિક કેન્દ્ર છે અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપે છે.
શેખ હસીના ભારતમાં
રાજીનામું આપ્યા બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું છે. શેખ હસીનાનું વિમાન ભારતના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ થયું છે. શેખ હસીનાએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી છે. શેખ હસીનાનું વિમાન લંડન જવા રવાના થાય તેવી શક્યતા છે.


