- ભારત તરફથી બાંગ્લાદેશ બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી
- સુરક્ષાદળો બાંગ્લાદેશથી આવતા લોકો, વાહનોની સઘન તપાસમાં કાર્યરત
- ભારત-બાંગ્લાદેશની સરહદ ભારતના પાંચ રાજ્યો સાથે જોડાયેલી છે
પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલને લીધા ભારતની ચિંતામાં સતત વધારો થયો છે. બાંગ્લાદેશ-ભારતની બોર્ડર સંકળાયેલી છે. બાંગ્લાદેશના ઘણા લોકો ભારત આવવાની વેતરણમાં છે. તેઓ બુધવારથી પશ્ચિમ બંગાળની સરહદેથી ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બીએસએફે રોકી દીધા છે. બાંગ્લાદેશી લોકોના ઈરાદાને જોતા બીએસએફ એલર્ટ મોડમાં છે અને સીમા પર સિકયોરિટી વધુ સઘન કરી દેવામાં આવી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 હજાર 96 કિલોમીટરની સરહદ છે. પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા રાજ્યો બાંગ્લાદેશ સાથે તેમની સરહદો વહેંચે છે. બાંગ્લાદેશમાં હાલની સ્થિતિ બાદ આ વિસ્તારો વધુ સંવેદનશીલ બની ગયા છે. સુરક્ષા એજન્સીઓ પણ આ વાતથી વાકેફ છે અને તેથી જ આ વિસ્તારોમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
કઈ-કઈ સરહદ પર સુરક્ષા વધી કયાં ખતરો વધુ
ભારતના મિઝોરમના લોંગતલાઈ જિલ્લામાં બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે સંકળાયેલી છે. આ વિસ્તારમાં ભારતની સરહદ પાસે લોકોના આવન-જાવન પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં સરહદ પાસે ત્રણ કિલોમીટરના રેન્જમાં સાંજે છ વાગ્યેથી સવારના છ વાગ્યા સુધી લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આદેશના ઉલ્લંધન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ આદેશ આગામી બે માસ સુધી અમલમાં રહેશે. મિઝોરમના ત્રણ જિલ્લાની 318 કિલોમીટર સુધીની ભારત-બાંગ્લાદેશની સરહદ જોડાયેલી છે.
આસામના મુખ્યમંત્રીએ બાંગ્લાદેશની સ્થિતિ પૂર્વોત્તરના રાજ્યો માટે ચિંતાનો વિષય છે એવું જણાવ્યું. તેમને આશંકા દર્શાવી કે પાડોશી દેશ ફરીથી ઉગ્રવાદીઓનું કેન્દ્ર બની શકે છે અને ત્યાંથી લોકો ગેરકાયદે રીતે ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે.
અધિકારીઓએ સરહદ પર સુરક્ષા અંગેની સમીક્ષા કરી
ત્રિપુરામાં સુરક્ષા વધારી
મિઝોરમ, આસામ ઉપરાંત ત્રિપુરામાં પણ સુરક્ષા સઘન કરવામાં આવી છે. બીએસએફના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે ત્રિપુરા-બાંગ્લાદેશ સરહદ પર તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં અશાંતિ પછી બીએસએફે સીમા પારથી ગેરકાયદે પ્રવેશના પ્રયાસોને નિષ્ફળ કરવા રાજ્યમાં 856 કિલોમીટર લાંબી સરહદ પર સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
બિહારમાં એલર્ટ
બિહારના મોતિહારીમાં પણ એલર્ટ મોડ રખાયો છે. મોતિહારી નેપાળની સરહદ સાથે સંકળાયેલું છે. જ્યાંથી બાંગ્લાદેશની ઘૂસણખોરી કરવાની શક્યતા છે. આવામાં બિહાર પોલીસ સરહદી જિલ્લાઓ, ગામડાઓમાં એલર્ટ રહેવા આદેશ આપી દીધા છે. પોલીની સાથે એસએસબીને સતર્ક રખાયું છે. 24 કલાક નિરીક્ષણ રાખવા કહેવામાં આવ્યું છે. આ સિવાય બાંગ્લાશેને સંકળાયેલી બોર્ડર પર ચોકસાઈ વધારવા એલર્ટ અપાયું છે.
ઓડિશામાં સઘન પહેરો
ઓડિશા સરકારે બાંગ્લાદેશથી આવતા લોકોનાં ટોળાને રોકવા પોતાની 480 કિલોમીટરની લાંબી સરહદ પર નિરીક્ષણ શરૂ કર્યું છે. આ રાજ્ય બાંગ્લાદેશ તટથી આશરે 200 કિલોમીટર દૂર આવેલું છે. બાંગ્લાદેશથી ગેરકાયદે આવતા લોકો નાની નાવડીનો ઉપયોગ કરતા હોય છે. આ લોકો નાવડીમાં આવીને ઓડિશામાં પ્રવેશ કરે છે. બાંગ્લાદેશમાં અશાંતિને લીધે ઘણા ગુનેગારો જેલમાંથી બહાર પલાયન થઈ ગયા છે. જેથી આવા તત્વો ભારતમાં ન આવે તે જોવું જરૂરી છે. અધિકારીએ કહ્યું કે અમે 18 દરિયાઈ પોલીસ સ્ટેશનો પર હાઈ એલર્ટ મૂકી દીધું છે. તમામ પોલીસ કર્મીઓ, નેવી, કંટ્રોલ રૂમને શરૂ રાખ્યા છે.


